ઇન્ટરનેશનલ

ઓપરેશન હૉકઆઈ: સીરિયામાં અમેરિકાનો આતંક પર પ્રચંડ પ્રહાર, ISISના ઠેકાણાઓને ફૂંકી માર્યા!

વોશિંગ્ટન: અમેરિકી સેના શનિવારે રાત્રે ઈરાન અને સીરિયામાં કાર્યરત ઇસ્લામિક સ્ટેટ (ISIS) ના ઠેકાણાઓ પર કહાર બનીને તૂટી પડી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર શરૂ કરાયેલા ‘ઓપરેશન હૉકઆઈ સ્ટ્રાઈક’ હેઠળ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે સોશિયલ મીડિયા પર આ હુમલાના વીડિયો જાહેર કર્યા છે, જેમાં અમેરિકી ફાઈટર જેટ્સ બેઝ પરથી ઉડાન ભરતા અને આતંકી ઠેકાણાઓને સચોટ નિશાન બનાવીને તબાહ કરતા જોઈ શકાય છે. આ કાર્યવાહીને ગયા મહિને અમેરિકી સૈનિકો પર થયેલા ઘાતક હુમલાના વળતા જવાબ તરીકે જોવામાં આવી રહી છે.

અમેરિકી સેનાના જણાવ્યા અનુસાર, આ હવાઈ હુમલા ૧૩ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ પલમાયરામાં થયેલા આતંકી હુમલાનો બદલો છે. તે હુમલામાં આયોવા નેશનલ ગાર્ડના બે સૈનિકો, એડગર બ્રાયન ટોરેસ-ટોવાર અને વિલિયમ નથાનિયલ હોવર્ડ શહીદ થયા હતા, તેમજ એક અમેરિકન દુભાષિયાનું પણ મોત નીપજ્યું હતું. ૨૦૨૪માં અસદ શાસનના પતન બાદ સીરિયામાં અમેરિકી દળો પર આ પ્રથમ મોટો ઘાતક હુમલો હતો. સેન્ટ્રલ કમાન્ડે આતંકીઓને કડક ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો તમે અમારા યોદ્ધાઓને નુકસાન પહોંચાડશો, તો અમે તમને દુનિયાના કોઈપણ ખૂણેથી શોધી કાઢીશું અને ખતમ કરી દઈશું.

‘ઓપરેશન હૉકઆઈ’ની શરૂઆત ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ થઈ હતી, જેના પ્રથમ તબક્કામાં મધ્ય સીરિયાના આશરે ૭૦ ઠેકાણાઓ નષ્ટ કરવામાં આવ્યા હતા. આ અભિયાનમાં જોર્ડનની સેના પણ અમેરિકાને સક્રિય સહયોગ આપી રહી છે. ખાસ વાત એ છે કે, શનિવારના આ હુમલાના એક દિવસ પહેલા જ સીરિયાઈ સુરક્ષા દળોએ ‘લેવન્ટ’ વિસ્તારમાંથી ISISના મુખ્ય સૈન્ય કમાન્ડરની ધરપકડ કરી હોવાનો દાવો કર્યો હતો.

આ પણ વાંચો…ઈરાનના લશ્કરી ઠેકાણાઓ પર અમેરિકી એરસ્ટ્રાઈકનો પ્લાન તૈયારઃ અહેવાલ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button