ઇન્ટરનેશનલ

કેનેડાના ઓટાવામાં ભારતીય વિદ્યાર્થિનીનું રહસ્યમય મોત, આપના ધારાસભ્ય સાથે છે કનેકશન

ઓટાવાઃ કેનેડાના ઓટાવામાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થિની મૃત હાલતમાં મળી આવી હતી. પંજાબના ડેરાબસ્સીથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કુલજીતસિંહ રંધાવાના સહયોગી દવિંદર સૈનીની પુત્રી વંશિકા સૈની અઢી વર્ષથી ઓટાવામાં રહીને અભ્યાસ કરતી હતી. તેનો મૃતદેહ ઓટાવા બીચ પરથી મળ્યો હતો.

પરિવારજનો દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જે બાદ અધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. કેનેડામાં ભારતીય હાઈકમિશને જણાવ્યું કે, ભારતીય વિદ્યાર્થિની વંશિકાના મોતની તપાસ કરવામાં આવી રહી છે.

પરિવારજનોના જણાવ્યા મુજબ, વંશિકાએ ધો.12 પાસ કર્યા બાદ બે વર્ષનો ડિપ્લોમા કોર્સ કરવા કેનેડા ગઈ હતી. તેણે 18 એપ્રિલે ફાઈનલ પરીક્ષા આપી હતી અને પાર્ટ ટાઈમ કામ પણ શરૂ કર્યું હતું. 22 એપ્રિલે તે નોકરી પરથી ઘરે પરત આવવા નીકળી હતી પરંતુ પહોંચી નથી. જે બાદ તેના મિત્રો અને પરિવારના લોકોએ સંપર્ક કરવાની કોશિશ કરી હતી પણ ફોન બંધ આવતો હતો. જેથી ચિંતિત મિત્રોએ સ્થાનિક અધિકારીઓને જાણ કરી હતી અને બાદમાં ભારતીય સમુદાયનો સંપર્ક કર્યા બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

તેનો મૃતદેહ ઓટાવા બીચ પરથી મળી આવ્યો હતો. મોતનું કારણ સ્પષ્ટ થયું નથી. વંશિકાના પરિવારજનોએ તેની હત્યા થઈ હોવાનું જણાવ્યું હતું. દવિંદર સૈનીએ કહ્યું, તેમણે તેની પુત્રી સાથે અંતિમ વખત 22 એપ્રિલે વાત કરી હતી. તે સમયે તેણી IELTS પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત હતી. જે બાદ તેનો સંપર્ક થઈ શક્યો નહોતો.

મૃતકના પરિવારજનો દ્વારા કેનેડાના અધિકારીઓને આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી હતી. ઓટાવામાં અનેક વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન કરીને ભારતીય વિદ્યાર્થિની માટે ન્યાયની માંગ કરી હતી.

આપણ વાંચો:  ભારત બાદ આ દેશમાં થયો મોટો આતંકવાદી હુમલો, બે વિસ્ફોટમાં 26 લોકોના મોત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button