ઇન્ટરનેશનલ

ઇઝરાયેલના યુદ્ધમાં ફસાયેલી નુસરત ભરુચા સાથે આખરે થયો સંપર્ક, અભીનેત્રી ભારત આવવા રવાના

મુંબઇ: બોલીવુડના કલાકારો દેશ-વિદેશમાં તેમની કલાને કારણે ઓળખાય છે અને ચર્ચામાં પણ હોય છે. જોકે બોલીવુડની આ અભિનેત્રી હાલમાં એક અલગ વિષયને કારણ ચર્ચામાં છે. ઇઝરાયેલ-હમસના યુદ્ધ વચ્ચે બોલીવુડની જાણીતી અભિનેત્રી નુસરત ભરુચા ફસાઇ હોવાની જાણકારી મળી હતી.

ઉપરાંત તેની સાથે કોઇ સંપર્ક થઇ નથી રહ્યો એવી જાણકારી ટીમ દ્વારા આપવામાં આવી હતી. જોકે હવે એક રાહતના સમાચાર આવ્યા છે. આખરે નુસરત સાથે સંપર્ક થઇ ગયો છે. અને ઘણી મૂશ્કેલીઓ બાદ ઇન્ડિયન એમ્બેસીની મદદથી નુસરત ભારત આવવા રવાના થઇ હોવાની જાણકારી મળી છે.

હમાસ દ્વારા ઇઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો છે. ત્યાર બાદ ઇઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી હમાસ પર જવાબી હુમલો કર્યો છે. આ યુદ્ધમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા હવે 400 પાર પહોંચી ગઇ છે. જ્યારે 1500થી વધુ લોકોને ઇજા પહોંચી છે. આ યુદ્ધની પરિસ્થિતીને કારણે અનેક ભારતીય નાગરીકો ઇઝરાયેલમાં ફસાયા છે.


ત્યારે હવે બોલીવુડ અભિનેત્રી નુસરત ભરુચા પણ ઇઝરાયેલના યુદ્ધમાં ફસાઇ હોવાની જાણકારી મળતાં તેના ચાહકોની ચિંતા વધી ગઇ હતી. તેના પરિવારજનો અને ચાહકો તેની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યાં હતાં. ત્યાં હાલમાં જ તેની ટીમ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે તેમનો નુસરત સાથે સંપર્ક થઇ ગયો છે. ઇન્ડિયન એમ્બેસીની મદદથી તે ઇઝરાયેલ એરપોર્ટ પર પહોંચી ગઇ છે અને ત્યાંથી ભારત આવવા રવાના થઇ ગઇ છે. આ સમાચાર બાદ તેના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

નુસરતની ટીમના એક સભ્યએ નુસરતનો સંપર્ક ન થતો હોવાની જાણકારી આપી હતી. તેમણે આપેલી જાણકારી મુજબ નુસરત ભરુચા ઇઝરાયેલમાં ફસાઇ છે. એક આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલમાં ભાગ લેવા તે ઇઝરાયેલ ગઇ હતી. શનિવારે બપોરે 12:30 વાગે નુસરત સાથે છેલ્લી વાર સંપર્ક થયો હતો. તે વખતે તે એક બેઝમેન્ટમાં સુરક્ષીત હોવાનું તેણે જણાવ્યું હતું. ત્યાર બાદ રવિવાર સવાર સુધી તેની સાથે કોઇ સંપર્ક થઇ શક્યો નહતો.


જોકે થોડી વાર પહેલાં જ નુસરત સાથે સંપર્ક થયો છે અને તે સુરક્ષિત છે અને ઇન્ડિયન એમ્બેસીની મદદથી ભારત આવવા રવાના થઇ ગઇ હોવાની જાણકારી નુસરતની ટીમ દ્વારા આપવામાં આવી છે.


નુસરતની ફિલ્મ અકેલી ઓગષ્ટ 2023માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં પણ ઇરાકના યુદ્ધમાં ફસાયેલી એક છોકરીનો ઘરે પાછા આવવાનો સંઘર્ષ દર્શાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં નુસરતના જોરદાર અભિનયની બધે જ ચર્ચા અને પ્રશંસા થઇ. જોકે હવે ફિલ્મની સ્ટોરીની જેમ જ નુસરત ઇઝરાયેલના યુદ્ધમાં ફસાઇ હતી. જોકે તે સલામત હોવાના સમાચાર સાંભળી તેના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button