ઇઝરાયલ પર હવે આ આતંકી સંગઠને પણ હુમલા શરૂ કર્યા…
ઈઝરાયલે લેબનોનની સરહદ નજીક 3 આતંકવાદીઓ પર ડ્રોનથી હુમલો કર્યો ઈઝરાયલનો દાવો છે કે આ આતંકવાદીઓ લેબનોન સરહદેથી ઈઝરાયલમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે લેબનોને એવો દાવો કરે છે કે ઇઝરાયલના હુમલામાં તેના 2 નાગરિકોના મોત થયા છે. ઇઝરાયલ-લેબનોન સરહદ પર તણાવ વધી ગયો છે. આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ અને ઈઝરાયલની સેના વચ્ચે સતત ફાયરિંગ અને ડ્રોન હુમલા ચાલી રહ્યા છે.
ઈઝરાયલ હાલમાં બે બાજુ લડાઈ લડી રહ્યું છે. ગાઝા બોર્ડર પર ઇઝરાયલી ટેન્ક યુદ્ધ લડી રહી છે તો બીજી બાજુ લેબનોન બોર્ડર પર આતંકી સંગઠન હિઝબુલ્લાહ પણ ઈઝરાયલ પર હુમલા કરી રહ્યું છે. ઇઝરાયલી સંરક્ષણ દળે એવો દાવો કર્યો છે કે તેમની સરહદ પર 3 લેબનીઝ ડ્રોન જોવા મળ્યા હતા, ત્યારબાદ ઇઝરાયલે દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહના સ્થાનો પર ડ્રોન હુમલો કર્યો હતો. હાલમાં હિઝબુલ્લાએ દક્ષિણ લેબનોનથી ઇઝરાયેલના શહેર શુતુલ પર મોર્ટાર અને મિસાઇલોથી હુમલો કર્યો છે. આ હુમલામાં ઈઝરાયેલી સેનાના ત્રણ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
હિઝબુલ્લાહ અને ઈઝરાયલ વચ્ચેના આ સામસામેના હુમલાઓથી મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો છે. ઈરાનના વિદેશ પ્રધાનનો દાવો છે કે જો હમાસની સાથે હિઝબુલ્લાહ પણ યુદ્ધમાં સામેલ થાય છે તો આ યુદ્ધ મધ્ય પૂર્વના અન્ય ભાગોમાં પણ ફેલાઈ શકે છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન ઈરાને ઈઝરાયલને એક સંદેશ મોકલ્યો છે, જેમાં તેણે કહ્યું હતું કે તે હમાસ-ઈઝરાયલ યુદ્ધને વધારવા માંગતું નથી. આ ઉપરાંત ઈરાને ધમકી આપી હતી કે જો ગાઝામાં ઈઝરાયલના હુમલા ચાલુ રહેશે તો તેણે હસ્તક્ષેપ કરવો પડશે.
ઈરાને ઈઝરાયલને ચેતવણી આપી છે કે જો તે ગાઝા પર હુમલા બંધ નહીં કરે તો તેને ખરાબ પરિણામોનો સામનો કરવો પડશે. ઈરાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઈઝરાયલને આ ધમકીભર્યો સંદેશ મોકલ્યો છે. ઈરાન તરફથી આ ધમકી ત્યારે આવી છે જ્યારે બાઇડેન પ્રશાસન ઈરાન અને લેબનોન સમર્થિત હિઝબુલ્લાને યુદ્ધમાં સામેલ થવાથી રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ અઠવાડિયે અમેરિકાએ એરક્રાફ્ટ કેરિયર અને ફાઈટર જેટ મોકલ્યા છે. પરંતુ સ્થિતિ બગડતી જોઈને હવે અમેરિકાએ બીજું યુદ્ધ જહાજ પણ મોકલ્યું છે.
નોંધનીય છે કે જો ઈરાન આ યુદ્ધમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામેલ થશે તો યુદ્ધ વધુ વધી શકે છે.