બોલો, હવે ચંદ્ર પર રોડ બનાવશે આ સ્પેસ એજન્સી
ચંદ્ર પર નાસા દ્વારા માનવ વસાહત ઊભી કરવા વિશેના પ્રોજેક્ટથી તો આપણે બધા વાકેફ છીએ જ પણ શું તમને એ ખબર છે કે અન્ય એક સ્પેસ એજન્સી ચંદ્રની સપાટી પર રસ્તાઓ બનાવવાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે? જી હા, ચંદ્રની સપાટી પર અવકાશયાન માટે રોડ અને લેન્ડિંગ પેડ બનાવવાનું નક્કી કર્યું છે અને વૈજ્ઞાનિકોએ તો આ દિશામાં કામ પણ શરૂ કરી દીધું છે. અત્યારે તો આ પ્રોજેક્ટ માટે યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે. જોકે, આ યોજનાને અમલમાં મૂકવામાં કેટલો સમય લાગશે એનો અંદાજો લગાવવાનું અઘરું છે.
યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) દ્વારા ચંદ્રની સપાટી પર રસ્તાઓ અને લેન્ડિંગ પેડ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. એટલું જ નહીં પણ ESA દ્વારા ચંદ્રની સપાટીને વધુ રહેવા યોગ્ય બનાવવા માટેનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પણ હાથ ધર્યો છે. આ પ્રોજેક્ટને PAVER નામ આપવામાં આવ્યું છે. આ પહેલનો ઉદ્દેશ્ય એક શક્તિશાળી લેસરનો ઉપયોગ કરીને ચંદ્રની ધૂળને કાચ જેવી નક્કર સપાટીમાં ઓગાળીને રસ્તાઓ અને લેન્ડિંગ પેડ્સ સહિત ચંદ્ર પરની પ્રવૃત્તિના ક્ષેત્રોને મજબૂત બનાવવાનો છે.
PAVER પ્રોજેક્ટનું નેતૃત્વ BAM ઇન્સ્ટિટ્યૂટ ઑફ મટિરિયલ્સ રિસર્ચ એન્ડ ટેસ્ટિંગ, જર્મની, ઑસ્ટ્રિયાની એલેન યુનિવર્સિટી ખાતે લિક્વિફર સિસ્ટમ્સ ગ્રૂપ અને ક્લોથલ યુનિવર્સિટી ઑફ ટેક્નૉલૉજી, જર્મની, જર્મનીમાં ઇન્સ્ટિટ્યૂટ ફોર મટિરિયલ ફિઝિક્સ ઇન સ્પેસ કરી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચંદ્રની સપાટી પરની ધૂળને કારણે અત્યાર સુધીના મિશન મૂનના પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ચંદ્રની ધૂળ ખૂબ જ ઝીણી અને ચીકણી હોય છે. એપોલો 17 મૂન મિશન પણ ચંદ્રની ધૂળને કારણે જ મુશ્કેલીમાં મુકાયું હતું. ચંદ્રની ધૂળ ઉપકરણોને બંધ કરી દે છે અને સ્પેસસુટ્સને પણ નુકસાન પહોંચાડે છે.
એ જ રીતે સોવિયેત યુનિયનના લુનોખોડ 2 રોવર ચંદ્રની ધૂળને કારણે વધુ ગરમ થવાને કારણે નાશ પામ્યું હતું. રોવરનું રેડિએટર ધૂળથી ઢંકાઈ ગયું હતું.