ભારતીય હાઈ કમિશનરે કેનેડાને કહ્યું કે નક્કર પુરાવા હોય તો જ….
કેનેડામાં ભારતના હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ કેનેડાએ હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારત સરકાર પર કરેલા આરોપોના પુરાવા રજૂ કરવા જણાવ્યું છે. અને કહ્યું હતું કે પુરાવા ક્યાં છે? તમારી તપાસ ક્યાં સુધી પહોંચી કોઇ નક્કર પુરાવા હોય તો જ ભારત સાથે વાત કરો. ખાસ બાબત તો એ છે કે નિજ્જરને ભારત અને અન્ય દેશોએ આતંકવાદીની યાદીમાં મૂકેલો હતો. તેના મોત માટે કેનેડાએ ભારત પર સપ્ટેમ્બરમાં એવા આરોપો મૂક્યા હતા કે ભારતે જ નિજ્જરની હત્યા કરાવી છે.
કમિશનર વર્માએ જણાવ્યું હતું કે કેનેડાના આ નિવેદના કારણે ભારતને ઘણું નુકસાન થયું છે. વર્માએ ભારપૂર્વક જણાવ્યું હતું કે અમને આ કેસમાં તપાસમાં મદદ કરવા માટે આજ સુધી કોઈપણ પ્રકારની ચોક્કસ અથવા સંબંધિત માહિતી આપવામાં આવી નથી. જ્યારથી કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર આ આરોપો લગાવ્યા છે ત્યારથી ભારતે આ દાવાઓને સખત રીતે નકારી કાઢ્યું છે. અને કેનેડાને દેશની અંદર ભારત વિરોધી ગતિવિધિઓ પર અંકુશ લગાવવા કહ્યું છે.
ભારતના હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ કહ્યું, ‘પુરાવા ક્યાં છે? તપાસનું તારણ ક્યાં છે? આ તો ફક્ત ભારતને કલંકિત કરવાનું કાવતરું હતું. તેમને કહ્યું કે આવા નિવેદનોને કારણે ભારતીય રાજદ્વારી કર્મચારીઓ માટે સુરક્ષા જોખમો ઉભા થયા છે. આ ઉપરાંત કેનેડાએ તેના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે ભારતીય રાજદ્વારીઓને કેટલીક ગુપ્ત માહિતી મોકલવામાં આવી હતી જેને કેનેડાના સુરક્ષા વિભાગે પકડી પાડી હતી આ વિશે જવાબ આપતા હાઈ કમિનરે જણાવ્યું હતું કે આ તદન ખોટી વીત છે.
કારણકે રાજદ્વારીઓ સાથે થતી કોઇપણ વાત ક્યારેય કોઇ પણ જગ્યાએ જાહેર થતી નથી એટલું જ નહિ એ માહિતી એટલી સુરક્ષિત હોય છે તેનો ઉપયોગ ક્યારેય કોર્ટમાં પુરાવા તરીકે પણ નથી કરી શકાતો. અને ના તો તેનો કોઇ સાબિતી હોય છે. તેનો મતલબ છે કે બે રાજદ્વારીઓ વચ્ચેની વાતચીત તમામ આંતરરાષ્ટ્રીય કાયદાઓ હેઠળ સુરક્ષિત છે. તમે આ વાતચીત રેકોર્ડ જ કેવી રીતે કરી. અને અમે કેવી રીતે માની લઇએ કે આ બીજા કોઇના ઉવાજનું રેકોર્ડિંગ નથી.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ભારત એવી આશા રાખે છે કે કેનેડા ખાલિસ્તાન સમર્થકો પર લગામ લગાવશે. નિજ્જરના મૃત્યુની તપાસનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે તપાસ અધિકારીઓને તેમનું કામ કરવા દો. જો કે ભારતીય રાજદ્વારીઓનું કહેવું છે કે કેનેડાએ પણ ભારતે જે પણ વાતો નકારી કાઢી છે એ તમામ બાબતો પર વાતચીત કરવી જોઈએ. નોંધનીય છે કે નિજ્જરની હત્યાના આરોપો બાદ ભારતે તણાવને પગલે રાજદ્વારી હાજરીમાં સમાનતા દર્શાવીને તેના સ્ટાફને ઘટાડ્યો હતો અને કેનેડાએ ભારતમાંથી 41 રાજદ્વારીઓને પાછા ખેંચી લીધા.