ન્યુઝીલેન્ડે ભારતીયોને આપ્યો આંચકો! વિઝા ફી વધી, જાણો શું છે કારણ?
તાજેતરના વર્ષોમાં એવું જોવામાં આવ્યું છે કે વધુને વધુ ભારતીય વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ માટે ન્યુઝીલેન્ડ પર પસંદગી ઉતારી રહ્યા છે. જો તમે ફરવા જવા કે અભ્યાસાર્થે ન્યુઝીલેન્ડ જવાની તૈયારી કરી રહ્યા છો, તો તમારે માટે એક મહત્વના સમાચાર છે. પહેલી ઓક્ટોબરથી ન્યુઝીલેન્ડે લગભગ તમામ કેટેગરીના લોકો માટે વિઝા ફી વધારવાની જાહેરાત કરી છે. સ્ટુડન્ટ વિઝા ફીને ડબલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
1 ઓક્ટોબર 2024 થી, ન્યુઝીલેન્ડના વિઝા મેળવવાની કિંમતમાં તીવ્ર વધારો થશે. આમાં પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને વર્કર્સ માટેના વિઝાનો સમાવેશ થાય છે. ન્યુઝીલેન્ડ સરકારે જાહેરાત કરી છે કે આ વધારાનો હેતુ વધુ ટકાઉ ઇમિગ્રેશન સિસ્ટમ બનાવવાનો છે, જેમાં દેશના કરદાતાઓને બદલે વિઝા માટે અરજી કરનારાઓ પર આર્થિક બોજ નાખવામાં આવ્યો છે.
ઇમિગ્રેશન મિનિસ્ટર એરિકા સ્ટેનફોર્ડે જણાવ્યું હતું કે, “નવી ફી ઇમિગ્રેશન સિસ્ટમને આત્મનિર્ભર બનાવવાની વ્યૂહરચનાનો એક ભાગ છે. સ્ટેનફોર્ડ ખાતરી આપી છે કે ન્યુઝીલેન્ડની વિઝા ફી ઓસ્ટ્રેલિયા અને યુકે જેવા દેશોની સરખામણીમાં સ્પર્ધાત્મક રહેશે.
અત્યાર સુધી સ્ટુડન્ટ વિઝા ફી જે NZD (ન્યુઝીલેન્ડ ડૉલર) 375 હતી તે વધારીને NZD 750 કરવામાં આવ્યા છે અને પોસ્ટ સ્ટડી વર્ક વિઝાની ફી NZD 700 થી વધારીને NZD 1,670 કરવામાં આવી છે. નોંધનીય છે કે ન્યુઝીલેન્ડની ફી હજુ પણ ઓસ્ટ્રેલિયાની ફી કરતાં ઓછી જ હશે. હાલમાં જ ઑસ્ટ્રેલિયાએ તેની વિદ્યાર્થી વિઝા અરજી ફી બમણી કરીને ઑસ્ટ્રેલિયન ડૉલર 1,600 કરવાનો નિર્ણય લીધો હતો. તેના એક મહિનામાં જ ન્યુઝીલેન્ડ સરકારે આ નિર્ણય લીધો છે.