ઇન્ટરનેશનલ

મોબાઇલથી તોબા પોકારીઃ ન્યૂ યોર્કમાં સ્કૂલમાં મોબાઇલ રાખવા પર મુકાશે પ્રતિબંધ…

કમ્યુનિકેશનનું માધ્યમ મોબાઈલ ધીમે ધીમે સામાજિક જ નહીં, પરંતુ હવે બાળકો પર પણ ગંભીર અસરો ઊભી થઈ રહી છે, ત્યારે અમેરિકાના સ્ટેટે સૌથી મોટો નિર્ણય લીધો છે. ન્યૂ યોર્ક રાજ્યએ મોડી રાત્રે એક કરાર હેઠળ નિર્ણય લીધો હતો કે આગામી શાળા સત્રથી સાર્વજનિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓના મોબાઇલ ફોન પર ‘બેલ ટૂ બેલ એટલે કે શાળાના સમય દરમિયાન મોબાઇલ ફોન પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવશે.

ગવર્નર હોચુલે રાજ્યના સાંસદો સાથે બજેટ કરાર દરમિયાન આ યોજનાની જાહેરાત કરતા કહ્યું હતું કે અમે પહેલા અમારા બાળકોને સિગારેટ, દારૂ અને નશામાં વાહન ચલાવવાથી બચાવ્યા છે અને હવે અમે ધ્યાન ખેંચવા માટે રચાયેલ વ્યસનકારક ટેકનોલોજીથી તેમનું રક્ષણ કરી રહ્યા છીએ.

ડેમોક્રેટ હોચુલે હજુ સુધી પ્રતિબંધના અમલીકરણ માટેની યોજનાઓની સંપૂર્ણ વિગતો આપી નથી. તેમના કાર્યાલયે કહ્યું કે શાળાઓને તેનો અમલ કરવામાં થોડી સ્વતંત્રતા આપવામાં આવશે. શાળાના સમય દરમિયાન વિદ્યાર્થીઓના મોબાઇલ ફોન અથવા ડિવાઇસનો કેવી રીતે ઉપયોગ કરવો અથવા નિયંત્રિત કરવો તે જિલ્લાઓ પોતે નક્કી કરશે. વધુમાં કેટલાક વિદ્યાર્થીઓ માટે ખાસ છૂટ આપવામાં આવશે – જેમ કે જેમને તબીબી જરૂરિયાતો છે, શીખવામાં મુશ્કેલીઓ પડી રહી છે અથવા જેઓ અંગ્રેજીમાં સંપૂર્ણ રીતે સમજી શકતા નથી.

જો તેને મંજૂરી મળી જશે તો ન્યૂયોર્ક ઓછામાં ઓછા આઠ રાજ્યો સાથે જોડાશે જેમાં કેલિફોર્નિયા, ફ્લોરિડા, ઇન્ડિયાના, લુઇસિયાના, મિનેસોટા, ઓહિયો, સાઉથ કેરોલિના અને વર્જિનિયામાં શાળાઓમાં વિદ્યાર્થીઓના મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા અથવા પ્રતિબંધિત કરવાના પગલાં અમલમાં મુક્યા છે.

રાષ્ટ્રીય સ્તરે મોટા ભાગની શાળાઓનું કહેવું છે કે તેઓ શૈક્ષણિક હેતુઓ સિવાય મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મુકે છે, પરંતુ શિક્ષકો કહે છે કે જ્યારે વિદ્યાર્થીઓને હોલવેમાં અને લંચના સમયમાં મોબાઇલ રાખવાની મંજૂરી આપવામાં આવે છે તો નિયમો લાગુ કરવા મુશ્કેલ થઇ જશે.

હોચુલે દ્વારા પ્રસ્તાવિત “બેલ-ટૂ-બેલ” પ્રતિબંધનો મુખ્ય ધ્યેય શાળાના સમય દરમિયાન મોબાઇલ ફોનની ઍક્સેસને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવાનો છે, જેથી વિદ્યાર્થીઓનું ધ્યાન ભંગ ન થાય. જોકે, ઘણા માતા-પિતા તેનો વિરોધ કરે છે. તેઓનું કહેવું છે કે તેઓ ઇમરજન્સીની સ્થિતિમાં તેમના બાળકોનો સંપર્ક કરવા માંગે છે.

દેશના સૌથી મોટા સ્કૂલ જિલ્લા ધરાવતા ન્યૂયોર્ક સિટીએ ગયા વર્ષે વાલીઓની ચિંતાઓને કારણે મોબાઇલ ફોન પર પ્રતિબંધ મૂકવાની ચર્ચાઓ પડતી મૂકી હતી. આ અઠવાડિયે કાયદા ઘડનારાઓ 254 અબજ ડોલરના રાજ્ય બજેટ પર મતદાન શરૂ કરે તેવી અપેક્ષા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button