ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જ પર હુમલાની યોજનાઃ એકની ધરપકડ

ન્યૂ યોર્કઃ ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જમાં બોંબ પ્લાન્ટ કરીને તેને રિમોટ-કંટ્રોલ ડિવાઇસ વડે વિસ્ફોટ કરવાની યોજના ઘડવાના આરોપમાં એફબીઆઇએ ફ્લોરિડાના એક વ્યક્તિની બુધવારે ધરપકડ કરી હતી.
ફ્લોરિડાના કોરલ સ્પ્રિંગ્સના ૩૦ વર્ષીય હારુન અબ્દુલ-મલિક યેનર પર આંતરરાજ્ય વાણિજ્યમાં વપરાતી ઇમારતને નુકસાન પહોંચાડવા અથવા નષ્ટ કરવા માટે વિસ્ફોટક ઉપકરણનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એફબીઆઇએ ફેબ્રુઆરીમાં એક ટિપના આધારે યેનરની તપાસ શરૂ કરી હતી. તે એક સ્ટોરેજ યુનિટમાં બોંબ બનાવવાની યોજના ઘડી રહ્યો હતો.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં વધુ એક આત્મઘાતી હુમલામાં 17 સૈનિકોના મોત…
એફબીઆઇ અનુસાર તેમને બોંબ બનાવવાના સ્કેચ, ટાઇમરવાળી કેટલીક ઘડિયાળો, ઇલેક્ટ્રોનિક સર્કિટ બોર્ડ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ મળ્યા હતા. જેનો ઉપયોગ વિસ્ફોટક ઉપકરણ બનાવવા માટે થઇ શકતો હતો. તેણે ૨૦૧૭થી બોંબ બનાવવા સંબંધિત વસ્તુઓ માટે ઓનલાઇન સર્ચ પણ કર્યું હતું.
યેનરે અંડરકવર એફબીઆઇ એજન્ટને એ પણ જણાવ્યું કે તે થેંક્સગિવિંગના એક અઠવાડિયા પહેલા બોંબ વિસ્ફોટ કરવા માંગતો હતો અને લોઅર મેનહટનમાં સ્ટોક એક્સચેન્જ એક લોકપ્રિય ટાર્ગેટ હતું.
આ પણ વાંચો: Israel Vs Gaza: ઇઝરાયલના હુમલામાં ગાઝામાં 24 કલાકમાં 46 લોકોનાં મોત
કોર્ટના દસ્તાવેજો અનુસાર તે યુએસ સરકારને ‘રીબૂટ’ કરવા માટે સ્ટોક એક્સચેન્જમાં બોંબ વિસ્ફોટ કરવા માંગતો હતો. યેનરને બુધવારે બપોરે પહેલી વાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. તેને ટ્રાયલની પ્રતિક્ષા દરમિયાન કસ્ટડીમાં રાખવામાં આવશે