“ગો બેક ટૂ પાકિસ્તાન…”, ન્યૂયોર્કમાં ભારતીય મૂળના પરિવાર સાથે ગેરવર્તન
ન્યૂયોર્ક: અમેરિકાના ન્યૂયોર્કમાં ભારતીય મૂળના એક પરિવાર સાથે ગેરવર્તનની ઘટના બની હતી. એક અખબારી એહવાલ અનુસાર પીડિત પરિવારે 22 મહિના પહેલા બેંકની હરાજી દરમિયાન ઘર ખરીદ્યું હતું. પરંતુ છેલ્લા બે વર્ષથી તેઓ આ ઘરમાં પ્રવેશી શક્યા નથી. કારણ કે આ ઘરના પૂર્વ માલિકો ઘર ખાલી કરવા તૈયાર નથી, ઉપરથી તેમણે ભારતીય પરિવાર સાથે ગેરવર્તન કર્યું હતું.
અહેવાલ મુજબ, આ ઘર બેરી અને બાર્બરા પોલાકનું હતું, તેઓએ લોન લીધા બાદ બેંકને હપ્તા ન ચૂકવ્યા, ત્યારે બેંકે પૈસા વસૂલવા માટે ઘરની હરાજી કરી હતી. પરંતુ હવે તેઓ આ ઘરની બહાર જવા માટે તૈયાર નથી. આ લોકોને ભારતીય મૂળના દંપતીએ ઘરની બહાર આવવાનું કહેતા તેમની સાથે ગેરવર્તન કર્યું હતું.
પોલક દંપતી આ ઘર છોડવા તૈયાર નથી. જ્યારે ભારતીય મૂળનો પરિવાર આ ઘરમાં રહેવા ગયો ત્યારે આરોપી પોલક દંપતીએ ઘર છોડવાની ના પાડી દીધી હતી. પોલક દંપતીએ ભારતીય પરિવાર સાથે ગેરવર્તન કરી તેમને પાકિસ્તાન જવા માટે કહ્યું હતું. પોલક દંપતી દ્વારા ગેરવર્તનની આ ઘટના કેમેરામ કેદ થઈ ગઈ છે.
પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે પોલાક દંપતિએ અગાઉ બેંકમાંથી લોન લીધી હતી પરંતુ એક દાયકાથી લોન ભરપાઈ કરી રહ્યા ન હતા. આ કારણોસર બેંકે તેના ઘરની હરાજી કરી હતી.