અમેરિકામાં નવા વર્ષની ઉજવણી દરમિયાન આતંકી હુમલો, 15ના મોત, 30થી વધુ ઘાયલ
અમેરિકામાં નવા વર્ષની શરૂઆત લોહિયાળ રહી છે. અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં બોર્બોન સ્ટ્રીટ પર નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકોને એક માથાફરેલ ટ્રક ડ્રાઈવરે ટક્કર મારી અને ભીડ પર ગોળીબાર કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે નરસંહાર પર ઉતારુ થયેલા હુમલાખોરે પોતાનું વાહન ભીડ તરફ ફેરવ્યું હતું. આ પછી તે લોકોને કચડીને ચાલ્યો ગયો હતો.
આ હુમલામાં 15 લોકોના મોત થયા હતા અને 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. ભીડને કચડી નાખનાર ટ્રકમાંથી આતંકી સંગઠન ISISનો ઝંડો મળી આવ્યો હતો. આવી સ્થિતિમાં FBIએ આ હુમલાને આતંકવાદી હુમલો માનીને તપાસ શરૂ કરી છે. અધિકારીઓનું કહેવું છે કે આ આતંકવાદી હુમલો હોઈ શકે છે. તેનું કારણ એ છે કે ભીડને કચડી નાખનાર ટ્રકમાંથી ઈસ્લામિક સ્ટેટના ઝંડા અને હથિયારો મળી આવ્યા હતા. ડ્રાઈવરનું નામ શમસુદ્દીન જબ્બાર છે. આ હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે દેશમાં ગુનેગારો ઘૂસી રહ્યા છે અને આપણે કંઈ કરી રહ્યા નથી.
Also read: અમેરિકાના ટેક્સાસમાં ગોળીબારમાં વાહનચાલકનું મોત…
મળતી માહિતી અનુસાર પોલીસની જવાબી કાર્યવાહીમાં હુમલાખોરનું મોત થયું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને હુમલાની નિંદા કરતા કહ્યું હતું કે મને આ ભયાનક ઘટના અંગે સતત જાણ કરવામાં આવી રહી છે. એફબીઆઈ તપાસમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે અને આ ઘટનાને આતંકવાદ તરીકે તપાસી રહી છે. હું પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું જેઓ માત્ર રજાની ઉજવણી કરી રહ્યા હતા. અમેરિકામાં કોઈપણ પ્રકારની હિંસાનું કોઈ સમર્થન નથી અને અમે અમારા દેશમાં કોઈપણ સમુદાય પર કોઈ પણ હુમલાને સહન કરીશું નહીં. દરમિયાન લુઇસિયાનાના ગવર્નરે લોકોને ફ્રેન્ચ ક્વાર્ટરથી દૂર રહેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે લોકોએ ફ્રેન્ચ ક્વાર્ટરથી દૂર રહેવું જોઈએ કારણ કે ત્યાં એક ટ્રક ડ્રાઈવર દ્વારા કરવામાં આવેલા જીવલેણ હુમલાની તપાસ ચાલી રહી છે, જેમાં 15 લોકો માર્યા ગયા હતા.