ન્યૂ જર્સી ટ્રાન્ઝિટ ટ્રેન એન્જિનિયરોની હડતાળઃ સાડા ત્રણ લાખ મુસાફરોને હાલાકી…

ન્યૂ જર્સીઃ અમેરિકામાં ન્યુ જર્સી ટ્રાન્ઝિટ ટ્રેન એન્જિનિયરો આજે હડતાળ પર ઉતર્યા હતા. જેના કારણે ન્યૂ જર્સી અને ન્યૂ યોર્ક શહેરમાં લગભગ 3.50 લાખ પ્રવાસીને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર જવા માટે બીજા વિકલ્પો શોધવા અથવા ઘરે રહેવા પર વિચાર કરવાની ફરજ પડી છે.
ગુરૂવારે વાટાઘાટોના છેલ્લા રાઉન્ડમાં કોઇ સમજૂતી ન થયા બાદ આ હડતાળ કરવામાં આવી છે. આ રાજ્યમાં ૪૦ વર્ષોમાં પહેલી રેલ હડતાળ છે. બ્રધરહુડ ઓફ લોકોમોટિવ એન્જિનિયર્સ એન્ડ ટ્રેડમેનના જનરલ ચેરમેન ટોમ હાસે જણાવ્યું કે અમે તેમને અંતિમ ઓફર કરી હતી. તેમણે તેને નકારી કાઢી અને બે કલાક બાકી રહેતા જ ચાલ્યા ગયા હતા.
ન્યૂ જર્સીના ગવર્નર ફિલ મર્ફીએ ગુરુવારે મોડી રાત્રે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે એવા અંતિમ કરાર પર પહોંચવું મહત્વપૂર્ણ છે જે કર્મચારીઓ માટે વાજબી હોય અને સાથે જ ન્યુ જર્સીના યાત્રીઓ અને કરદાતાઓને પરવડે તેવું હોય. મર્ફીએ કહ્યું કે ફરી એકવાર આપણે એજન્સીની નાણાકીય વાસ્તવિકતાઓને અવગણી શકીએ નહીં.
દેશની ત્રીજી સૌથી મોટી પરિવહન વ્યવસ્થા એનજે ટ્રાન્ઝિટ રાજ્યમાં બસો અને રેલ ચલાવે છે. જે ન્યુ યોર્ક શહેર સહિત લગભગ ૧ મિલિયન કાર્યદિવસ ટ્રિપ્સ પૂરી પાડે છે. આ હડતાળને કારણે તમામ એનજે ટ્રાન્ઝિટ કોમ્યુટર ટ્રેનો સ્થગિત થઇ જશે, જે હડસન નદીની એક બાજુ ન્યૂ યોર્ક શહેરના પેન સ્ટેશન અને બીજી બાજુ ઉત્તરીય ન્યૂ જર્સી સમુદાયો વચ્ચે અતિશય ઉપયોગમાં લેવાતો જાહેર પરિવહન માર્ગ પૂરો પાડે છે.