મસ્ક માટે નવી આફત, ટેસ્લામાં આગથી 5નાં મોત, મૃતકોનાં સંતાનોએ ઠોક્યો દાવો

ન્યૂ યોર્કઃ અમેરિકન કાર નિર્માતા ટેસ્લા ફરી વિવાદમાં આવી છે. ટેસ્લામાં આગ લાગતાં 5 લોકોનાં મોત બાદ મૃતકોના સંતાનોએ દાવો ઠોક્યો હતો. કારની ડીઝાઈનમાં ખામી હોવાના કારણે તેમાં આગ લાગ્યા બાદ મુસાફરો દરવાજો ખોલી શક્યા નહોતા અને મોતને ભેટ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
રિપોર્ટ મુજબ, આ દુર્ઘટના 1 નવેમ્બર, 2024માં બની હતી. વેરોના (વિસ્કૉન્સિન)માં ટેસ્લા મોડલ એસ કાર એક વૃક્ષ સાથે અથડાઈ હતી. કારમાં જેફ્રી બ્રાઉર (ઉ.વ.54), મિશેલ બાઉર (ઉ.વ.55) સહિત પાંચ લોકો સવાર હતા. વૃક્ષ સાથે અથડાયા બાદ કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. પ્રત્યક્ષદર્શીઓ મુજબ આગ બાદ કારની અંદરથી ચીસો આવતી હતી પરંતુ દરવાજો ખોલી શક્યા નહોતા.
આ અંગે બાઉર દંપતીના સંતાનોએ 31 ઓક્ટોબર, 2025ના રોજ ટેસ્લા પર કેસ ઠોક્યો હતો. તેમણે કારની ઇલેક્ટ્રિક ડોર સિસ્ટમમાં ખામી હોવાનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદ મુજબ, કારમાં આગ લાગ્યા બાદ લિથિયમ આયન બેટરી પેકે ઈલેક્ટ્રોનિક ડોર સિસ્ટમને નિષ્ક્રિય કરી દીધી હતી. જેનાથી દરવાજા ખુલી શક્યા નહોતા. ટેસ્લાને આ ખામીની જાણકારી પહેલાથી જ હતી. અગાઉ પણ આ પ્રકારની ઘટના બની ચુકી હતી. તેમ છતાં કંપનીએ અવગણના કરીને કારની ડિઝાઈનમાં બદલાવ કર્યો નહોતો.
આ પહેલા પણ ટેસ્લાની ઈલેક્ટ્રિક કારની સેફ્ટી સિસ્ટમ અને ડિઝાઈન ફીચર્સ પર સવાલ ઉઠ્યા હતા. કંપની પહેલાથી જ ઑટોપાયલટ ટેકનિક અને દરવાજાની ઓટોમેટિક સિસ્ટમને લઈ આલોચનાનો સામનો કરી ચુકી છે. ગત વર્ષે નવેમ્બરમાં કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોમાં સાયબર ટ્રક અકસ્માતમાં બે વિદ્યાર્થીના મોત થયા હતા. ત્યારે પણ પરિવારજનોએ આગ લાગ્યા બાદ વાહનની હેન્ડલ ડિઝાઈનના કારણે મૃતકો બહાર ન નીકળી શક્યાનો દાવો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે અમેરિકાની નેશનલ હાઈવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશને સપ્ટેમ્બર 2025માં ટેસ્લાની કાર ડિઝાઈનની તપાસ શરૂ કરી હતી. અકસ્માત સમયે ટેસ્લા કારના ડોર હેન્ડલ્સ ફેલ ગયા હોવાનું અનેક રિપોર્ટમાં સામે આવ્યું હતું.
આપણ વાંચો: કેનેડા ભણવા જવું મુશ્કેલ બન્યું! ભારતીય વિદ્યાર્થીઓની 75% અરજીઓ નકારી કાઢવામાં આવી
 


