ઇન્ટરનેશનલ

ઈરાનમાં ડ્રેસ કોડના વિવાદ વચ્ચે મહિલાઓ પર નવો પ્રતિબંધ

ચુસ્ત કપડા પહેરવા પર 10 વર્ષની જેલ

ઈરાનમાં ચાલી રહેલા ડ્રેસ કોડ વિવાદ વચ્ચે મહિલાઓ પર નવા નિયંત્રણો લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઈરાનની સંસદે મહિલાઓના ડ્રેસ કોડ સાથે સંબંધિત એક વિવાદાસ્પદ બિલ પસાર કર્યું છે. આ બિલમાં મહિલાઓની સાથે સાથે પુરૂષોના કપડા પહેરવા અંગે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે.

ઈરાનના આ નવા ડ્રેસ કોડ કાયદા અનુસાર, જો મહિલાઓ ચુસ્ત કપડા પહેરીને અને હિજાબ વગર પકડાય છે અથવા દોષી સાબિત થાય છે, તો તેમને 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે. ઈરાનની સંસદ દ્વારા આ બિલ પાસ થયા બાદ હવે તેને ગાર્ડિયન કાઉન્સિલને મોકલવામાં આવશે. ત્યાંથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ તે કાયદો બની જશે. ઈરાનમાં ગાર્ડિયન કાઉન્સિલ મૌલવીઓ અને કાયદાકીય નિષ્ણાતોની એક સમિતિ છે.


ઈરાનમાં ડ્રેસ કોડ બિલ એવા સમયે આવ્યું છે જ્યારે તાજેતરમાં જ મહસા અમીનીના મૃત્યુની વર્ષગાંઠ પર મહિલાઓએ તેમના ડ્રેસ કોડ પર નારાજગી વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે પોલીસે મહસા અમીનીની હિજાબ ન પહેરવાના આરોપસર ધરપકડ કરી હતી અને પોલીસ કસ્ટડીમાં તેનું મૃત્યુ થયું હતું.


આ પછી ઈરાનની મહિલાઓ તેમના પર લાદવામાં આવેલા ડ્રેસ કોડના વિરોધમાં સડકો પર ઉતરી આવી હતી અને તેનો ભારે વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓએ જાહેર સ્થળોએ હિજાબ પહેરવાનું બંધ કરી દીધું હતું.
નોંધનીય છે કે ઈરાનમાં 1979ની ક્રાંતિ બાદથી મહિલાઓ માટે ખાસ ડ્રેસ કોડ લાગુ છે, જેનો ત્યાંની મહિલાઓ વિરોધ કરી રહી છે, પરંતુ હવે ડ્રેસ કોડ વધુ કડક બનાવવામાં આવ્યો છે. નવો ડ્રેસ કોડ લાગુ થયા બાદ પોલીસ અને પ્રશાસન મહિલાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકે છે. આટલું જ નહીં, ગાર્ડિયન કાઉન્સિલ દ્વારા નવા ડ્રેસ કોડને મંજૂરી મળ્યા બાદ પોલીસ પુરુષો સાથે પણ કડકાઈથી વ્યવહાર કરી શકશે.


ઈરાન શરિયાના નિયમો હેઠળ એક નવો ડ્રેસ કોડ લાગુ કરવા જઈ રહ્યું છે, જેમાં મહિલાઓ આવા ચુસ્ત કપડા પહેરી શકતી નથી જેમાં તેમના શરીરના અંગો દેખાતા હોય. મહિલાઓએ તેમના વાળને પણ હિજાબથી ઢાંકવા પડશે. આ સાથે પુરુષોને એવા કપડા પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવશે જેમાં તેમની છાતી અથવા પગની ઉપરના શરીરના ભાગો દેખાય.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button