અરે વાહ! એઇડ્સ સામે રક્ષણ માટેની રસી બની ગઇ
સમગ્ર વિશ્વના દર્દીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. વૈજ્ઞાનિકોએ એચઆઈવી ને મટાડનાર ઇન્જેક્શનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે વર્ષમાં બે વખત ઇન્જેક્શન દ્વારા આપવામાં આવતી એચઆઇવી પ્રીવેન્ટીવ દવાએ મહિલાઓમાં સો ટકા સફળ પરિણામ આપ્યું છે. આ ઉપરાંત તેમાં સુરક્ષા સંબંધિત કોઈ ચિંતા નથી. વર્ષમાં બે વાર ઇન્જેક્શન તરીકે આપવામાં આવતી રસીનું નામ લેનાકાપાવીર છે. તે યુએસ ની બાયોફાર્માસ્યુટિકલ કંપની દ્વારા વિકસાવવામાં આવી છે આ દવાઓ એવા લોકોમાં ચેપનો ફેલાવો અટકાવે છે જેવો હજુ સુધી રોગ પેદા કરતા વેક્ટરના સંપર્કમાં આવ્યા નથી.
આ અભ્યાસમાં દક્ષિણ આફ્રિકા અને યુગાન્ડાની લગભગ 5,000 યુવતીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેમના પર આ વાયરસની રસીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં સો ટકા સફળતા પ્રાપ્ત થઈ હતી. શોટ મેળવનાર યુવતીઓને કોઈ ચેપ લાગ્યો ન હતો.
નોંધનીય છે કે લેનાકાપાવીરને હજુ સુધી વિશ્વમાં ક્યાંય પણ એચ.આય.વી.ની રોકથામની દવા માટે મંજૂરી આપવામાં આવી નથી, પરંતુ એચ.આય.વી સંક્રમણને રોકવા માટે પ્રી-એક્સપોઝર પ્રોફીલેક્સિસ દવા તરીકે તેનો અભ્યાસ ચાલુ છે. લેનાકાપાવીરને અન્ય એચઆઈવી એન્ટિરેટ્રોવાયરલ દવાઓ સાથે મળીને પુખ્ત વયના લોકોમાં એચઆઈવી ચેપની સારવાર માટે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા મંજુરી આપવામાં આવી છે, પણ આ દવા ઘણી જ મોંઘી છે. તેના એક ડોઝની કિંમત લગભગ 40,000 ડોલરની આસપાસ છે.
એચઆઇવી એટલે કે હ્યુમન ઇમ્યુનો ડેફિશ્યનસી વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિના શરીરના પ્રવાહી દ્વારા ફેલાય છે અને જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે એઇડ્સમાં ફેરવાઈ શકે છે.