‘…તો ઇઝરાયેલ ફરી યુદ્ધ શરુ કરી દેશે’ નેતન્યાહૂએ ચીમકી ઉચ્ચારી, યુએસ પણ સાથ આપશે…
દોહા: ઇઝરાયેલ છેલ્લા 15 મહિનાથી સતત ગાઝા પર હુમલા કરીને નરસંહાર (Israel attack on Gaza) કરી રહ્યું છે, ત્યારે ગત ગુરુવારે રાહતના સમાચાર મળ્યા હતા કે કતારમાં યુએસના મધ્યસ્થીથી બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામ કરાર પૂર્ણ કરવામાં (Hamas-Israel Ceasefire) આવ્યો છે. આ કરારનું દુનિયાભરના દેશોએ સ્વાગત કર્યું હતું, આજે રવિવારથી આ યુદ્ધવિરામ કરાર લાગુ થવાનો છે. એવામાં ઇઝરાયેલે ચીમકી ઉચ્ચારી છે, જેના કારણે શાંતિ તરફના પગલાને ઠેસ પહોંચી શકે છે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu)એ કહ્યું કે જો જરૂરી હોય તો યુદ્ધ ફરી શરુ કરવામાં આવશે, અમને યુએસનો પણ ટેકો છે.
આ પણ વાંચો : અંતે ઇઝરાયેલ ઝૂક્યું! નેતન્યાહૂએ યુદ્ધવિરામને મંજુરી આપી, સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓ મુક્ત થશે
અમે પાછળ નહીં હટીએ:
શનિવારે સાંજે એક ટેલિવિઝન સંબોધનમાં ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હમાસની કેદમાંથી તમામ બંધકોને પાછા લાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. ભારપૂર્વક જણાવ્યું હતું કે જો જરૂરી હોય તો યુદ્ધ ફરી શરુ કરવા માટે ઇઝરાયલને યુએસનો ટેકો છે. નેતન્યાહૂએ કહ્યું છે કે જ્યાં સુધી બધા બંધકોને મુક્ત ન કરવામાં આવે ત્યાં સુધી અમે પાછળ નહીં હટીએ.
બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે ઇઝરાયલ ગાઝાની બોર્ડર પર સંપૂર્ણ નિયંત્રણ જાળવી રાખશે. આ કરારનો પહેલો તબક્કો કામચલાઉ યુદ્ધવિરામ છે. જો કરારનો બીજો તબક્કો નિરર્થક લાગશે, તો ઇઝરાયલ ફરીથી યુદ્ધ શરૂ કરી શકે છે. ટ્રમ્પ અને બાઈડેને ઇઝરાયલના આ પગલાને સમર્થન આપ્યું છે.
મધ્ય પૂર્વનો ચહેરો બદલાઈ ગયો:
નેતન્યાહૂએ કહ્યું કે ઇઝરાયલ તેના દુશ્મનો પર સાત મોરચે હુમલો કરશે. તેમણે કહ્યું, ‘અમે સીરિયાના શસ્ત્રો નષ્ટ કર્યા છે, જો અમારે ફરી યુદ્ધ શરુ કરવું પડે તો અમે વધુ તાકાત સાથે હુમલો કરીશું.’
નેતન્યાહૂએ કહ્યું કે યુદ્ધ શરૂ થયું ત્યારથી ઇઝરાયલે મધ્ય પૂર્વનો ચહેરો બદલી નાખ્યો છે.
યુદ્ધ વિરામ સફળ જશે?
કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજેદ અલ-અંસારીએ જણાવ્યું હતું, “બંને પક્ષો અને મધ્યસ્થી વચ્ચે થયેલા કરાર અનુસાર, ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામ રવિવારે સવારે 8:30 વાગ્યે (0630 GMT) શરૂ થશે,”
ઇઝરાયલના ન્યાય મંત્રાલયે જણાવ્યું હતું કે કરારના પ્રથમ તબક્કા હેઠળ 737 પેલેસ્ટિનિયન કેદીઓ અને અટકાયતીઓને મુક્ત કરવામાં આવશે. રવિવારે સાંજે 4:00 વાગ્યા (1400 GMT) પહેલાં કોઈને મુક્ત કરવામાં આવશે નહીં.
ઇઝરાયલના કબજા હેઠળના વેસ્ટ બેંકમાં વહીવટી નિયંત્રણ પેલેસ્ટિનિયન ઓથોરિટી (PA) હેઠળ છે. પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે જણાવ્યું હતું કે યુદ્ધવિરામ પછી ગાઝામાં સંપૂર્ણ જવાબદારી સ્વીકારવા તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
આ પણ વાંચો : અદાણી સામેના રિપોર્ટથી ખળભળાટ મચાવનારી Hindenburg Research થઈ બંધ, સંસ્થાપકે કરી જાહેરાત
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને કહ્યું કે ગાઝા PAના નિયંત્રણ હેઠળ હોવું જોઈએ. યુદ્ધવિરામ પછી વિસ્થાપિત ગાઝાના લોકો ઘરે પાછા ફરવા માટે તૈયાર છે.