કંઇક આવી રીતે નેતન્યાહુએ જસ્ટિન ટ્રુડોની બોલતી કરી દીધી બંધ
ડાહી સાસરે જાય નહીંને બીજાને શિખામણ આપે
નવી દિલ્હી: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત સાથે પંગો લેનાર કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ હવે ઈઝરાયેલને સલાહ આપવાનો પ્રયાસ કર્યો છે. જોકે, ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુએ બેન્જામિન નેતન્યાહુએ જોરદાર જવાબ આપીને ટ્રુડોની બોલતી બંધ કરી દીધી છે. કેનેડાએ ગાઝામાં ઈઝરાયલના ગ્રાઉન્ડ આક્રમણનો બચાવ કર્યો હતો પણ હમાસ-ઈઝરાયેલ યુદ્ધ દરમિયાન ગાઝામાં થયેલા મૃત્યુ માટે તેમણે આડકતરી રીતે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યું હતું. આ માટે નેતન્યાહુએ કેનેડાને ઠપકો આપ્યો છે. વાસ્તવમાં, બેન્જામિન નેતન્યાહૂએ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગાઝા પટ્ટીને લઈને આપેલા નિવેદન પર ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે ઇઝરાયલ નહીં પરંતુ હમાસ નાગરિકો પર હુમલાઓ કરી રહ્યું છે.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગાઝામાં થયેલા મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી હતી અને ઇઝરાયલ સરકારને સંયમ રાખવા કહ્યું હતું. હમાસ સામેના યુદ્ધ પછીથી ઈઝરાયલની તીવ્ર ટીકા કરતા જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે ગાઝા પટ્ટીમાં મહિલાઓ અને બાળકોની હત્યા બંધ થવી જોઈએ. આના પર બેન્જામિન નેતન્યાહુએ વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે ઇઝરાયલ નહીં પરંતુ હમાસ જાણીજોઇને ગાઝામાં નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે.
બેન્જામિન નેતન્યાહુએ X પરની તેમની પોસ્ટમાં કહ્યું હતું કે, ‘તે ઇઝરાયલ નથી કે જે જાણીજોઈને નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે, પરંતુ હમાસ છે જેણે હોલોકોસ્ટ પછી યહૂદીઓ પરના સૌથી ખરાબ હુમલામાં નાગરિકોની હત્યા કરી છે. જ્યારે ઇઝરાયેલ નાગરિકોને બચાવવા માટે બધું કરી રહ્યું છે, ત્યારે હમાસ તેમને નુકસાન પહોંચાડવા માટે બધું કરી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઇઝરાયલ ગાઝામાં નાગરિકોને માનવતાવાદી કોરિડોર અને સલામત વિસ્તારો પ્રદાન કરી રહ્યું છે, જ્યારે હમાસ તેમને બંદૂકની અણી પર જવાથી રોકી રહ્યું છે. આ યુદ્ધ અપરાધ માટે હમાસને જવાબદાર માનવું જોઈએ, ઈઝરાયલને નહીં. તે હમાસ છે જે નાગરિકોની પાછળ છુપાઇને નાગરિકોને નિશાન બનાવે છે. હમાસની બર્બરતાને હરાવવા માટે વિશ્વના તમામ સંસ્કારી દેશોએ ઈઝરાયેલને સાથ આપવો જોઈએ.
નોંધનીય છે કે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ હમાસ-ઇઝરાયલ સંઘર્ષ પર પ્રતિભાવ આપતા કહ્યું હતું કે, હું ઇઝરાયલ સરકારને મહત્તમ સંયમ રાખવા વિનંતી કરું છું. વિશ્વ ટીવી અને સોશિયલ મીડિયા પર જોઈ રહ્યું છે. રોજ આપણે ડોકટરો, પરિવારના બચી ગયેલા સભ્યો, માતાપિતા ગુમાવનારા બાળકોની જુબાની સાંભળીએ છીએ.
બ્રિટિશ કોલંબિયાના પશ્ચિમી પ્રાંતમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ટ્રુડોએ કહ્યું હતું કે વિશ્વ મહિલાઓ, બાળકો અને નવજાત શિશુઓની હત્યાનું સાક્ષી છે. આને રોકવું પડશે. જો કે, જસ્ટિન ટ્રુડોએ એમ પણ કહ્યું હતું કે હમાસે પેલેસ્ટાઈનના લોકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરવાનું બંધ કરવું જોઈએ અને ઇઝરાયલના તમામ બંધકોને મુક્ત કરવા જોઈએ.