નેપાળ 'બાંગ્લાદેશ'ના માર્ગેઃ બળવો હિંસક બનતા મૃત્યુઆંક વધ્યો, આર્મીએ મોરચો સંભાળ્યો | મુંબઈ સમાચાર
Top Newsઇન્ટરનેશનલ

નેપાળ ‘બાંગ્લાદેશ’ના માર્ગેઃ બળવો હિંસક બનતા મૃત્યુઆંક વધ્યો, આર્મીએ મોરચો સંભાળ્યો

કાઠમંડુ: ભારતના વધુ એક પાડોશી દેશમાં હિંસક વિરોધ પ્રદર્શનોને કારણે ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. બાંગ્લાદેશમાં થયેલા હિંસક પ્રદર્શન અને સત્તા પલટા બાદ હવે નેપાળમાં પણ વડા પ્રધાનના રાજીનામાની માગ સાથે જાહેર રસ્તાઓ પર જબરદસ્ત વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. હજારોની સંખ્યામાં Gen-Z યુવાનો રાજધાની કાઠમંડુના માર્ગો પર ઉતરી આવ્યા છે અને પ્રદર્શનકારીઓ છેક નેપાળના સંસદ ભવનના પરિસરમાં પહોંચી ગયા હતા અને ભીડને નિયંત્રણમાં લેવા માટે પોલીસે આંસુ ગેસના ગોળા ફેંક્યા હતા. હિંસક તોફાનોને અંકુશમાં લેવા માટે પ્રશાસને વધુ આક્રમક પગલાં ભર્યા છે, જ્યારે આર્મીને પણ તહેનાત કરવામાં આવી છે.

રાજધાની કાઠમંડુમાં કર્ફ્યું

નેપાળમાં સરકારે સોશિયલ મીડિયા પર લગાવેલા પ્રતિબંધના વિરોધમાં આ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતા રાજધાની કાઠમંડુમાં કર્ફ્યું લગાવી દેવામાં આવ્યું છે. નેપાળમાં સરકાર વિરુદ્ધ ચાલી રહેલા આ પ્રદર્શનમાં મૃત્યુ પામનારાની સંખ્યા વધીને 16 થઈ છે અને ઇજાગ્રસ્તોની સંખ્યા 100ને પાર કરી ગઈ છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે થઇ રહેલા સંઘર્ષમાં મોતનો આંકડો વધી રહ્યો છે.

Image credit @Reuters

‘વડા પ્રધાન’ દેશ છોડોના નારા લાગ્યા

વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનતા પ્રદર્શનકારીઓ નેપાળના ન્યૂ બનેશ્વરમાં આવેલા ફેડરલ સંસદ ભવન તરફ કૂચ કરી હતી. સુરક્ષા દળોએ અવરોધો વધુ મજબૂત બનાવ્યા હતા, પરંતુ પ્રદર્શનકારીઓ પોલીસના કોર્ડનને તોડીને સંસદ પરિસરમાં પ્રવેશ્યા હતા. આ દરમિયાન, તેમણે વડાપ્રધાન કે.પી. શર્મા ‘ઓલી’ સહિતના નેતાઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ‘દેશ છોડી દો’ની માંગણી કરી હતી. આ દરમિયાન સંસદ ભવનની બહાર પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે અને 35 જેટલા પ્રદર્શનકારીઓ પર સંસદ ભવનની બહાર ગોળીબાર કર્યાની માહિતી મળી છે.

સરકારે બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક

તે ઉપરાંત નેપાળના પોખરા અને ઈટહરીમાં પણ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો હોવાની વિગતો છે. પોખરામાં પ્રદર્શનકારીઓએ ગંડકીના મુખ્ય પ્રધાનના કાર્યાલય પર પથ્થરમારો કર્યો હતો. કાઠમંડુ વહીવટી તંત્ર દ્વારા તોડફોડ કરનારા પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હોવાની પણ વિગતો છે. કાઠમંડુમાં પરિસ્થિતિ વણસતા સરકારે સેનાની તૈનાતીના આદેશ આપી દીધા છે. નેપાળની વર્તમાન સ્થિતિના આંકલન માટે સરકારે એક ઈમરજન્સી બેઠક પણ બોલાવી છે અને પોલીસે રાતના ૧૦ વાગ્યા સુધી કાઠમંડુમાં કર્ફ્યુંની જાહેરાત કરી દીધી હતી. તે ઉપરાંત દેશના ચાર જિલ્લામાં કોઈપણના પ્રવેશ, સભા, સરઘસ, પ્રદર્શન અને ભેગા થવા પર પ્રતિબંધ મુક્યો છે.

આંદોલનને પગલે ભારત સતર્ક

નેપાળમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત-નેપાળ સરહદ પર સુરક્ષા વધારવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સશસ્ત્ર સીમા દળએ ભારત-નેપાળ સરહદ પર દેખરેખ વધારી દીધી છે. ભારત-નેપાળ સરહદની સુરક્ષા માટે SSB તૈનાત છે. SSB એ સુરક્ષા જવાનો અને સર્વેલન્સ (નિરીક્ષણ) વધારી દીધું છે. નેપાળમાં થઈ રહેલા હિંસક પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને, SSBએ તેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) હેઠળ જવાનોને એલર્ટ રહેવા નિર્દેશ આપ્યો છે. સરહદ પર તૈનાત જવાનોને નેપાળથી ભારત આવતા-જતા લોકોની ઓળખ સાવધાનીપૂર્વક ચકાસવા માટે કહેવામાં આવ્યું છે, જેથી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ પર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.

શા માટે થઇ રહ્યું છે પ્રદર્શન?

આ વિરોધ પ્રદર્શન સતત ઉગ્ર બની રહ્યું છે અને પોલીસ તેમજ પ્રદર્શનકારીઓ વચ્ચે થઇ રહેલા સંઘર્ષને કારણે યુવાનો વધુ ઉશ્કેરાઈ રહ્યા છે. આ વિરોધ પ્રદર્શન તાજેતરમાં જ સરકારે યુટ્યુબ, વોટ્સએપ સહીતના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવ્યો હતો. સરકારનું કહેવું છે કે આ એપ્સ નેપાળમાં નોંધણી થયલી નથી અને આ માટે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો કે યુવાનો એટલે કે ખાસ કરીને Gen-Z પોતાને ડિજિટલ નાગરિક માની રહ્યા છે અને ઈન્ટરનેટ પરના પ્રતિબંધને પોતાની સ્વતંત્રતા પરની તરાપ માની રહ્યા છે. સરકારના આ નિર્ણયથી ઉશ્કેરાયેલા યુવાનો વડા પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે, આથી હવે નેપાળમાં પણ કદાચ બાંગ્લાદેશવાળી થશે કે કેમ તેવા પ્રશ્નો થઇ રહ્યા છે.

બાંગ્લાદેશમાં આંદોલને સત્તાપલટો કરાવ્યો

ઉલ્લેખનીય છે કે ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં પણ તત્કાલીન વડા પ્રધાન શેખ હસીનાની સરકાર સામે ભ્રષ્ટાચાર સહિતના અનેક મુદ્દે યુવાનોએ મોરચો માંડ્યો હતો. આ વિરોધ પ્રદર્શન પણ એટલું ઉગ્ર અને હિંસક બની ગયું હતું કે તત્કાલીન વડા પ્રધાન શેખ હસીનાને તાત્કાલિક દેશ છોડી દેવાની ફરજ પડી હતી. બાદમાં સેનાએ શાસનની કમાન હાથમાં લીધી હતી અને પછી મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારના હાથમાં દેશના શાસનની જવાબદારી સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો…..નેપાળમાં બળવો: પ્રદર્શનકારીઓ સંસદમાં ઘૂસ્યા, પોલીસ ફાયરિંગમાં અનેક ઘાયલ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button