નેપાળમાં આંદોલનમાં માર્યા ગયેલા યુવાનોના પરિવારોને મળશે ₹15 લાખનું વળતર: વડાપ્રધાન સુશીલા કાર્કીનો મોટો નિર્ણય | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

નેપાળમાં આંદોલનમાં માર્યા ગયેલા યુવાનોના પરિવારોને મળશે ₹15 લાખનું વળતર: વડાપ્રધાન સુશીલા કાર્કીનો મોટો નિર્ણય

કાઠમંડુ: નેપાળમાં સરકાર સામે જેન-જીના પ્રચંડ અને હિંસક વિરોધ બાદ ડગમગી ગયેલી રાજનીતિને સ્થિર કરવા માટે નેપાળની વચગાળાની સરકારની ધુરા સુશીલા કાર્કીને હાથ સોંપવામાં આવી છે. નેપાળની વચગાળાની સરકારના વડા પ્રધાન સુશીલા કાર્કીની કેબિનેટે તેનો પ્રથમ નિર્ણય લીધો હતો અને નેપાળમાં 17 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય શોક જાહેર કરવાની જાહેરાત કરી હતી. કેબિનેટે પ્રદર્શન દરમિયાન માર્યા ગયેલા યુવાનોને માટે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી હતી. 17 સપ્ટેમ્બરના દિવસે સમગ્ર નેપાળમાં અડધી કાઠીએ ફરકવવામાં આવશે તેમજ વિદેશમાં આવેલા નેપાળી દૂતાવાસ પર પણ ધ્વજને અડધી કાઠીએ ફરકવવામાં આવશે.

નેપાળની વચગાળાની સરકારના વડા પ્રધાન સુશીલા કાર્કીની કેબિનેટે એક વધુ નિર્ણય લીધો છે, જેના હેઠળ નેપાળના શહીદ પરિવારોને 15-15 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ, વડાપ્રધાન કર્કીએ 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આજે કેબિનેટે વળતરની રકમને 10 લાખથી વધારીને 15 લાખ રૂપિયા કરી છે.

નેપાળના વચગાળાના વડાપ્રધાન તરીકે કમાન સંભાળતાની સાથે જ સુશીલા કાર્કીએ પહેલીવાર રાષ્ટ્રને સંબોધિત પણ કર્યું હતું. તેમણે કહ્યું કે નેપાળની સત્તા તેમના હાથમાં એવા સમયે આવી છે કે તેઓ આ અંગે ખુશ થવાને બદલે તેને એક મોટી જવાબદારી માનીને સૌના સહયોગથી તેને પૂર્ણ કરશે. તેમણે દેશમાં 27 કલાક સુધી ચાલેલા હિંસક પ્રદર્શનોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે દેશને ઘણું નુકસાન થયું છે અને આવી લૂંટફાટ નેપાળે ઇતિહાસમાં પહેલીવાર જોઈ છે.

નેપાળમાં આંદોલન અને હિંસાની આગ હજી શમી નથી ત્યાં સુશીલા કાર્કીએ માત્ર વિપરીત પરિસ્થિતિઓમાં નેપાળની સત્તા જ સંભાળી નથી, પરંતુ તેઓ નેપાળના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ઇતિહાસમાં પોતાનું નામ પણ નોંધાવી ચૂક્યા છે. સુશીલા કાર્કીએ મોટો નિર્ણય સંભળાવતા રવિવારે કહ્યું કે આ આંદોલનમાં માર્યા ગયેલા તમામ યુવાનોને સત્તાવાર રીતે શહીદ જાહેર કરવામાં આવશે. તેમની સરકાર મૃત્યુ પામેલા યુવાનોના પરિવારોને આર્થિક મદદ આપશે અને ઘાયલોને પણ સહાય આપવામાં આવશે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button