નેપાળના કરનાલીમાં જીપ 700 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી, આઠ લોકોના મોત 10 ઘાયલ…

કાઠમંડુ: નેપાળના પહાડી વિસ્તારમાં રોડ અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં શુક્રવારે કરનાલી પ્રાંતમાં એક અકસ્માતમાં જીપ ખીણમાં પડતા આઠ લોકોના મોત થયા છે અને 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ જીપમાં 18 મુસાફરો સવાર હતા. આ જીપ 700 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી.
પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી
આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ રાહત અને બચાવ કામગીરીમાં લાગી હતી. આ અકસ્માત રુકુમ પશ્ચિમ જિલ્લાના બાફીકોટ ક્ષેત્રના ઝારમારે વિસ્તારમાં થયો હતો. જીપ મુસીકોટના ખલંગા બજારથી આઠ બિસ્કોટ નગરપાલિકાના સ્યાલીખારી ગામ તરફ જઈ રહી હતી.
ડ્રાઈવરની બેદરકારીને કારણે દુર્ઘટના સર્જાઈ
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માત જીપની વધુ પડતી સ્પીડના કારણે થયો હતો. ડ્રાઈવરની બેદરકારીને કારણે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં અંધારી રાત્રે જીપે વળાંકવાળા રસ્તા પર કાબુ ગુમાવ્યો અને તે ઊંડી ખાડીમાં પડી ગઈ. જયારે બચાવ ટીમોને ઘટનાસ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલી પડી હતી.
મૃતકોની ઉંમર 15 થી 30 વર્ષની વચ્ચે
પોલીસના જણાવ્યા અનુસાર સાત મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક ઘાયલનું સ્થાનિક હોસ્પિટલમાં પહોંચતા જ મોત થયું હતું. જયારે મૃતકોની ઉંમર 15 થી 30 વર્ષની વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે. તેમાંથી મોટાભાગના યુવાનો કામ કે કૌટુંબિક કારણોસર મુસાફરી કરી રહ્યા હતા.
10 લોકોની સારવાર
આ પીડિતોમાં સ્થાનિક ખેડૂતો, વિદ્યાર્થીઓ અને મજૂરોનો સમાવેશ થાય છે. ઘાયલોને તાત્કાલિક રૂકુમ જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં 10 લોકોની સારવાર ચાલી રહી છે. ડોકટરોના મતે, કેટલાકની હાલત ગંભીર છે.



