ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

KIIT યુનિવર્સિટીમાં નેપાળી વિદ્યાર્થીની આત્મહત્યા; નેપાળ સરકારે ભારતને આપી ચેતવણી

નવી દિલ્હી: ઓડિશાના ભુવનેશ્વરમાં આવેલી કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ ટેકનોલોજી (KIIT) હાલ ગંભીર વિવાદમાં ઘેરાયેલી છે. ત્રીજા વર્ષની બી.ટેક (કમ્પ્યુટર સાયન્સ) ની નેપાળની વિદ્યાર્થીની પ્રકૃતિ લમસલ (20) નો મૃતદેહ 16 ફેબ્રુઆરીના રોજ બપોરે હોસ્ટેલ રૂમમાંથી મળી આવ્યો હત, કથિત રીતે તેણે આત્મહત્યા કરી (KIIT Nepali student suicide case) હતી. ત્યાર બાદ ન્યાયની માંગણી કરી રહેલા અન્ય નેપાળી વિદ્યાર્થીઓ સાથે યુનીવર્સીટીના હોદેદારો દ્વારા કથિત રીતે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. જેના કારણે વિદ્યાર્થીઓ સતત દેખાવો કરી રહ્યા છે, હવે નેપાળ સરકારે પણ ભારત સરકારને ચેતવણી આપી છે, અને પગલા ભરવા અપીલ કરી છે.

નેપાળ સરકારે મંગળવારે જણાવ્યું હતું કે જો KIIT વિદ્યાર્થીનીના મૃત્યુથી ઉભી થયેલી પરિસ્થિતિનો યોગ્ય અને કાયદાકીય ઉકેલ નહીં આવે તો તેઓ ભારતમાં શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરવા માંગતા તેના વિદ્યાર્થીઓને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપવાનું બંધ કરી શકે છે.

નેપાળ સરકારે વાલીઓને કરી આપીલ:
નેપાળ સરકારે KIIT માં અભ્યાસ કરતા નેપાળી વિદ્યાર્થીઓના માતા-પિતાને પણ ધીરજ રાખવા અપીલ કરી છે. નેપાળના શિક્ષણ મંત્રાલયે જણાવ્યું, ‘આ ઘટનાથી ઉભી થયેલી સમસ્યાઓના અસરકારક નિરાકરણ માટે એક હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યું છે. આપણું વિદેશ મંત્રાલય KIIT માં નેપાળી વિદ્યાર્થીઓનો અભ્યાસ ફરી શરૂ કરવા અને અનુકૂળ વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર સાથે સતત રાજદ્વારી પ્રયાસો કરી રહ્યું છે.’

શું છે મામલો:
નેપાળની રહેવાસી પ્રકૃતિ લમસલ, KIIT માં બી.ટેક કમ્પ્યુટર સાયન્સની વિદ્યાર્થીની હતી. કથિત રીતે તેના બેચમેટ અને ભૂતપૂર્વ બોયફ્રેન્ડ દ્વારા હેરાનગતિ બાદ પ્રકૃતિએ આત્મહત્યા કરી લીધી હતી. KIITમાં અભ્યાસ કરતા અન્ય નેપાળી વિદ્યાર્થીઓના એક જૂથે પ્રકૃતિ લમસલ માટે ન્યાયની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું. KIITના સિક્યોરિટીએ કેટલાક નેપાળી વિદ્યાર્થીઓને માર માર્યો, આ ઉપરાંત ફેકલ્ટી મેમ્બર્સે નેપાળી વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન પણ કર્યું. જેના કારણે અન્ય વિદ્યાર્થીઓમાં રોષની લાગણી છે, વિદ્યાર્થીઓ સતત પ્રદર્શન કરી રહ્યા છે.

આ પણ વાંચો…‘ભારત પાસે ઘણા પૈસા છે…’, યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આવું કેમ કહ્યું ?

યુનિવર્સિટી પ્રશાસને જણાવ્યું હતું કે નેપાળી વિદ્યાર્થીઓ સાથેના તેમના અપમાનજનક વર્તન અને વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ગર્લ્સ હોસ્ટેલના ડિરેક્ટર અને કમ્પ્યુટર સાયન્સ વિભાગના એસોસિયેટ પ્રોફેસરને બરતરફ કરવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button