શું નેપાળમાં પણ થશે બાંગ્લાદેશવાળી? PM ઓલી દેશ છોડી શકે છે, ગૃહ અને કૃષિ પ્રધાનના રાજીનામાથી સરકાર હચમચી…

કાઠમંડુ: ભારતના બે પાડોશી દેશ શ્રીલંકા અને બાંગ્લાદેશમાં તાજેતરમાં જ સરકાર સામે ઉગ્ર પ્રદર્શન બાદ સત્તા પલટાની સ્થિતિ સર્જાય હતી. બંને દેશમાં એવી સ્થિતિનું નિર્માણ થયું હતું કે ચૂંટણી વિના જ વર્તમાન સરકારને સત્તામાથી હાથ ધોવા પડ્યા હતા અને વચગાળાની સરકારના હાથમાં દેશના શાસનની ધૂરા સોંપવી પડી હતી.
હવે આવી જ સ્થિતિનું નિર્માણ પાડોશી દેશ નેપાળમાં થતું દેખાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પરના પ્રતિબંધ અને ભ્રષ્ટાચારના આરોપ મુદ્દે હજારોની સંખ્યામાં Gen-Z યુવાનો રાજધાની કાઠમંડુના માર્ગો પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન એટલું હિંસક બની ગયું હતું કે રાજધાનીમાં કર્ફ્યૂ લગાવવાની ફરજ પડી હતી.
નેપાળના પીએમ દેશ છોડે તેવી સંભાવના
નેપાળમાં થયેલા ઉગ્ર આંદોલન બાદ સરકારે કેબિનેટની એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં સોશિયલ મીડિયા પરના પ્રતિબંધો પરત લેવાની જાહેરાત કારવામાં આવી હતી તેમજ સૂચના અને પ્રસારણ પ્રધાને પ્રદર્શન રોકવા અપીલ કરી હતી.
જો કે તેમ છતાં આંદોલન થોભવાનું નામ નથી લઈ રહ્યું. હવે વડા પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. જો કે હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે નેપાળના પીએમ કેપી શર્મા ઓલી દેશ છોડી શકે છે અને દુબઈ જઈ શકે છે.
અનેક નેતાઓના રાજીનામા પડ્યા
સોમવારે થયેલી હિંસામાં ૨૦ લોકો માર્યા ગયા હતા અને નેપાળી પોલીસ પર ગોળીબાર કરવાનો આરોપ છે. જેના કારણે લોકોનો ગુસ્સો વધુ ભડક્યો છે. મંગળવારે, નેપાળી યુવાનોએ ઘણા નેતાઓના ઘરોને આગ ચાંપી દીધી હતી. અત્યાર સુધીમાં ગૃહ પ્રધાન, કૃષિ પ્રધાન સહિત ત્રણ નેતાઓએ રાજીનામા આપ્યા છે.
કૃષિ પ્રધાન રામનાથ અધિકારીએ રાજીનામું આપ્યું છે. આ ઉપરાંત, સોમવારે જ ગૃહ પ્રધાન રમેશ લેખકે પણ પદ છોડ્યું હતું. જોકે, એવી જોરદાર ચર્ચા ચાલી રહી છે કે દેશના વડાપ્રધાન જ નેપાળ ડી શકે છે. જાણકારોનું કહેવું છે કે નેપાળમાં છેલ્લા એક વર્ષથી વડા પ્રધાન કેપી ઓલી શર્મા વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે.
શા માટે થઇ રહ્યું છે પ્રદર્શન?
આ વિરોધ પ્રદર્શન સતત ઉગ્ર બની રહ્યું છે અને પોલીસ તેમજ પ્રદર્શનકારીઓ વચ્ચે થઇ રહેલા સંઘર્ષને કારણે યુવાનો વધુ ઉશ્કેરાઈ રહ્યા છે. આ વિરોધ પ્રદર્શન તાજેતરમાં જ સરકારે યુટ્યુબ, વોટ્સએપ સહીતના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવ્યો હતો.
સરકારનું કહેવું છે કે આ એપ્સ નેપાળમાં નોંધણી થયલી નથી અને આ માટે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો કે યુવાનો એટલે કે ખાસ કરીને Gen-Z પોતાને ડિજિટલ નાગરિક માની રહ્યા છે અને ઈન્ટરનેટ પરના પ્રતિબંધને પોતાની સ્વતંત્રતા પરની તરાપ માની રહ્યા છે. સરકારના આ નિર્ણયથી ઉશ્કેરાયેલા યુવાનો વડા પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે, આથી હવે નેપાળમાં પણ કદાચ બાંગ્લાદેશવાળી થશે કે કેમ તેવા પ્રશ્નો થઇ રહ્યા છે.
બાંગ્લાદેશમાં થયું હતું સત્તા પરિવર્તન
ઉલ્લેખનીય છે કે ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં પણ તત્કાલીન વડા પ્રધાન શેખ હસીનાની સરકાર સામે ભ્રષ્ટાચાર સહિતના અનેક મુદ્દે યુવાનોએ મોરચો માંડ્યો હતો.
આ વિરોધ પ્રદર્શન પણ એટલું ઉગ્ર અને હિંસક બની ગયું હતું કે તત્કાલીન વડા પ્રધાન શેખ હસીનાને તાત્કાલિક દેશ છોડી દેવાની ફરજ પડી હતી. બાદમાં સેનાએ શાસનની કમાન હાથમાં લીધી હતી અને પછી મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારના હાથમાં દેશના શાસનની જવાબદારી સોંપવામાં આવી હતી.
આ પણ વાંચો…19ના મોત બાદ Gen-Zના વિરોધ સામે ઝૂકી નેપાળ સરકાર, સોશિયલ મીડિયા ફરી શરૂ થયા…