નેપાળમાં સત્તાધારી ગઠબંધનમાં ફૂટઃ અનેક સાંસદોએ નવી પાર્ટી રચવા કરી અરજી
કાઠમંડુઃ નેપાળમાં સત્તાધારી ગઠબંધનની રાજકીય પાર્ટીમાં ફૂટ પડી ગઇ છે. જેના કારણે કેટલાક નેતાઓએ ચૂંટણી પંચમાં નવા પક્ષ માટે અરજીઓ પણ કરી દીધી છે. શાસક પક્ષના ઘણા સાંસદો અને કેન્દ્રીય સમિતિના સભ્યો પાર્ટીથી અલગ થઇ ગયા હતા.
નેપાળમાં વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડના નેતૃત્વ હેઠળની કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળની ગઠબંધન પાર્ટીઓમાંની એક જનતા સમાજવાદી પાર્ટી-નેપાળ (જેએસપી-એન)ના ઘણા સાંસદો, ધારાસભ્યો અને કેન્દ્રીય સમિતિના કેટલાક સભ્યો અલગ થઈ ગયા છે. અલગ થયા બાદ તેઓએ ચૂંટણી પંચમાં નવી પાર્ટી બનાવવા માટે અરજી કરી છે.
જેએસપી-એનએ પાર્ટીના ફેડરલ કાઉન્સિલના પ્રમુખ અશોક રાયના નેતૃત્વમાં નવી પાર્ટી માટે અરજી દાખલ કરી છે. પાર્ટી અધ્યક્ષ નાયબ વડા પ્રધાન ઉપેન્દ્ર યાદવ વિદેશ પ્રવાસે છે ત્યારે આ સ્થિતિ સર્જાઈ છે.
જેએસપી-એન ધારાસભ્ય પ્રદીપ યાદવે કહ્યું કે 29 કેન્દ્રીય સમિતિના સભ્યો અને સાત સાંસદોએ સંયુક્ત રીતે નવી પાર્ટી બનાવવા માટે અરજી કરી છે. પાર્ટીના 12 પ્રતિનિધિ સભાના સભ્યોમાંથી સાત સભ્યો – રાય, સુશીલા શેરસ્થ, પ્રદીપ યાદવ, નવલ કિશોર સાહ, રંજુ કુમારી ઝા, બિરેન્દ્ર મહતો અને હસીના ખાને ‘જનતા સમાજવાદી પાર્ટી’ નામની નવી પાર્ટીને સમર્થન આપ્યું હતું .
ચૂંટણી પંચે સોમવારે અશોક રાયના નેતૃત્વવાળી જનતા સમાજવાદી પાર્ટી (જેએસપી)ને નવા રાજકીય પક્ષ તરીકે સત્તાવાર રીતે માન્યતા આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે યાદવનો સામનો કરવા માટે રાયે વડા પ્રધાન પ્રચંડની સલાહ પર નવી પાર્ટી રજિસ્ટર કરી છે.
નેપાળ કોંગ્રેસ (એનસી)ના અધ્યક્ષ શેર બહાદુર દેઉબા વડાપ્રધાન પ્રચંડના નેતૃત્વ હેઠળની સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ માટે વિપક્ષી નેપાળી કોંગ્રેસ અને માધવ કુમાર નેપાળના નેતૃત્વ હેઠળના શાસક પક્ષ ગઠબંધન સીપીએન-યુનિફાઈડ સોશિયાલિસ્ટ એકસાથે આવ્યા છે.