પેરિસ ઓલિમ્પિક પર કુદરતી આફતના અણસાર! ભયાનક તાપમાનનો સામનો કઇ રીતે કરશે ખેલાડીઓ..
આગામી જુલાઇ-ઓગસ્ટ મહિનામાં યોજાનારા પેરિસ ઓલિમ્પિક (Paris Olympic) પર એક મોટું પ્રાકૃતિક જોખમ તોળાઇ રહ્યું છે. હાલમાં તો પેરિસમાં બરફવર્ષા થઇ રહી છે, પરંતુ 6 મહિના બાદ જ્યારે ઓલિમ્પિક્સ યોજાવાના હશે તે સમયે તો પેરિસ ભયાનક હીટવેવનો સામનો કરી રહ્યું હશે.
ક્લાઇમેટ સિમ્યુલેશન દ્વારા જાણવા મળેલી માહિતી મુજબ આ વખતે અલ નીનોની ગંભીર અસરો જોવા મળવાની છે, જેમાં ફ્રાન્સની રાજધાની પેરિસમાં ઓલિમ્પિક્સ દરમિયાન રેકોર્ડબ્રેક ગરમી અને તાપમાનનો સામનો ખેલાડીઓએ કરવો પડશે. NPJ ક્લાઇમેટ એન્ડ એટમોસ્ફિયરિક સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, ઓલિમ્પિક્સના સમગ્ર આયોજન દરમિયાન લગભગ 2 અઠવાડિયા સુધી પેરિસમાં હીટવેવની આશંકા છે. આવું પહેલા 2003માં થયું હતું, 20 વર્ષ દરમિયાન આબોહવા અને જળવાયુ પરિવર્તનને કારણે ઋતુઓમાં અસામાન્ય ફેરફારો જોવા મળી રહ્યા છે. પાસ્કલ ઇયોયુ નામના વૈજ્ઞાનિકે કરેલા સંશોધન મુજબ આ વખતે સ્થિતિ 2003થી પણ ગંભીર બની શકે તેમ છે.
ધ લેન્સેટ પ્લેનેટ હેલ્થ જર્નલમાં છપાયેલા એક સંશોધન મુજબ આખા યુરોપમાંથી પેરિસમાં હિટવેવ અને ગરમીથી સૌથી વધુ લોકો મોતને ભેટ્યા છે. કુલ 854 લોકો પેરિસમાંથી મૃત્યુ પામ્યા છે. પેરિસમાં હરિયાળી ધરાવતો વિસ્તાર ઓછા પ્રમાણમાં છે. 2003માં પડેલી ગરમીને કારણે કુલ 15 હજાર લોકોના મોત થયા હતા. આ વખતે સ્થિતિ બગડી શકે છે. સૌથી વધુ જોખમ વૃદ્ધોને છે.
પેરિસના તંત્ર દ્વારા ઓલિમ્પિકની તૈયારીઓમાં હવામાનને ધ્યાનમાં રાખીને ખાસ સગવડો ઉભી કરવામાં આવી રહી છે, ગ્રીન શેડ્સ, વૃક્ષારોપણ, પ્રોપર એરકન્ડિશનિંગ, જિયો-થર્મલ કૂલિંગ સીસ્ટમ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
મેરેથોન, ટેનિસ, વોલીબોલ જેવી આઉટડોર રમતના ખેલાડીઓ ગરમીથી ખૂબ જ પ્રભાવિત થઇ શકે છે. ખેલાડીઓ કદાચ વધુ તાપમાન સહન કરી પણ લે પરંતુ દર્શકો તો બિલકુલ સહન નહી કરી શકે. ગઇ વખતે ટોકિયો ઓલિમ્પિક્સમાં પણ આ જ સ્થિતિ જોવા મળી હતી. તે સમયે તાપમાન 30 ડિગ્રીથી વધુ હતું.
લગભગ 80 ટકા હ્યુમિડિટી વચ્ચે રમતો યોજાઇ હતી. જો કે મેરેથોન સહિતની રેસિંગની તમામ ઇવેન્ટ્સને ઠંડા સ્થળોએ શિફ્ટ કરી દેવામાં આવી હતી. તેમ છતાં ખેલાડીઓની હાલત ઘણી ખરાબ થઇ ગઇ હતી. રશિયાના ટેનિસ પ્લેયર ડેનિલ મેદવેદેવે મેચ શરૂ થતા પહેલા નિવેદન આપી દીધું હતું કે અહીં એટલી ગરમી છે કે મને એમ થાય છે કે હું મરી તો નહી જાઉં. ઘણા ખેલાડીઓ ખાસ ગરમ હવામાનમાં રમી શકે એ માટેની અલગ તાલીમ પણ લેતા હોય છે. તેને ‘હોટ વેધર ટ્રેનિંગ’ કહેવાય છે.