ભારતમાં આતંકી પ્રવૃતિમાં સંડોવાયેલો છે આ કેનેડિયન અધિકારી, ટ્રુડો હવે શું કરશે?
નવી દિલ્હીઃ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કારણે ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ છે . દરમિયાન નવી દિલ્હીએ કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સી (CBSA)ના અધિકારી સંદીપ સિંહ સિદ્ધુ પર ગંભીર આરોપ લગાવ્યા છે અને તેને ભાગેડુ આતંકવાદીઓની યાદીમાં સામેલ કર્યો છે. ભારતે આ યાદી કેનેડાને સોંપી છે અને તેના પ્રત્યાર્પણની માગણી કરી છે.
સિદ્ધુ CBSA નો કર્મચારી છે અને પ્રતિબંધિત ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન (ISYF) નો સભ્ય છે. તેના પર પંજાબમાં આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. ઉપરાંત, તેના પર વર્ષ 2020માં બલવિંદર સિંહ સંધુની હત્યામાં સામેલ હોવાનો આરોપ છે. શૌર્ય ચક્ર પુરસ્કાર વિજેતા બલવિંદર સિંહ સંધુએ પંજાબના બળવા દરમિયાન ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. તેઓ શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) સંસ્થા અંતર્ગત યુએસ અને કેનેડામાં ખાલિસ્તાન જનમતનો વિરોધ કરવા માટે પણ જાણીતા હતા. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ દાવો કર્યો હતો કે સની ટોરન્ટો અને આતંકવાદી લખબીર સિંહ રોડે સહિત અન્ય ખાલિસ્તાનવાદીઓએ સંધુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે સની ટોરન્ટોની સરનેમ સંદીપ સિંહ સિદ્ધુ છે કે નહીં. એક રિપોર્ટ અનુસાર, સંદીપ સિંહ સિદ્ધુને કથિત રીતે CBSAમાં સુપરિન્ટેન્ડેન્ટના પદ પર પ્રમોશન આપવામાં આવ્યું હતું.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણી અંગે આક્ષેપો કર્યા હતા. ત્યારથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો તંગ બની ગયા છે. બ્રિટિશ કોલંબિયામાં નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જોકે, ભારતે ટ્રુડોના આરોપોને વાહિયાત ગણાવીને ફગાવી દીધા હતા. કેનેડામાં રહેતા ખાલિસ્તાની સમર્થકો પ્રત્યે નરમ વલણ અપનાવવા બદલ ભારતે ટ્રુડો સરકારની વારંવાર ટીકા કરી છે. ભારતમાં ખાલિસ્તાની ચળવળ પર પ્રતિબંધ છે, પરંતુ શીખ સમુદાયોને કેનેડામાં ભારે સમર્થન મળી રહ્યું છે. વોટબેન્કના રાજકારણને લીધે ત્યાંની સરકાર તેમને સમર્થન આપી રહી છે, એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
હવે જોવાનું એ રહે છે કે ભારતની માગણી પર કેનેડા કેવા પ્રકારની પ્રતિક્રિયા આપે છે.