નીરજ ચોપરા ગોલ્ડ મેડલ જીતશે તો ભારતીયોને મળશે ફ્રી વિઝા, આ બિઝનેસમેનની ઓફર…

પેરિસ ઓલમ્પિકમાં ભારતને નીરજ ચોપરા પાસેથી ઘણી આશાઓ છે. લોકો કહે છે કે આ ઓલમ્પિકમાં ભારતનું ગોલ્ડ મેડલ મેળવવાનું સપનું માત્ર તે જ પૂરું કરી શકે તેમ છે. આ દરમિયાન એક યુવા બિઝનેસમેને નીરજ ચોપરાના ગોલ્ડ મેડલ જીતવા પર મોટી જાહેરાત કરી છે. Atlys વિઝાના સીઈઓ મોહન નહાટાનું કહેવું છે કે જો નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતશે તો તેઓ તેમની એપના વપરાશકર્તાઓને એક દિવસ માટે કોઈપણ દેશના વિઝા ફ્રીમાં અપાવશે.
મોહકે તેમના લીંક્ડઇન હેન્ડલ પર આવી જાહેરાત કરી છે. મોહકનું કહેવું છે કે તે પોતે લોકોને ફ્રી વિઝા મોકલશે. વિઝાના બદલામાં એક રૂપિયો પણ લેવામાં આવશે નહીં. આ યાદીમાં તમામ દેશોનો સમાવેશ કરવામાં આવશે. મોહક નહાટાએ પોસ્ટની કમેન્ટમાં પોતાનો ઈમેલ પણ પોસ્ટ કર્યો છે. મોહક નાહટાની આ જાહેરાત બાદ યુઝર્સે જોરદાર પ્રતિક્રિયા આપી છે અને હવે લોકો નીરજ ચોપરાના ગોલ્ડ જીતવાની રાહ જોઈ રહ્યા છે.
મોહકની કંપની ટ્રાવેલ વિઝા અપાવવાનું કામ કરે છે આ કંપની વિઝા અપાવવામાં મદદ કરે છે. તે એપથી કામ કરે છે અને વિઝા અરજીઓ માટે અપોઈન્ટમેન્ટ, ઘરેથી પાસપોર્ટ, ફોટા લેવા, મુસાફરીના દસ્તાવેજો સાચવવા વગેરેમાં મદદ કરે છે. આ સિવાય તેઓ એ વાતનું પણ ધ્યાન રાખે છે કે કયા કયા દેશોમાં કયા પ્રતિબંધો લાગુ છે અને તમે કેવી રીતે આ દેશોની મુસાફરી કરી શકો છો.
નાહટાએ જણાવ્યું હતું કે, બધા વપરાશકર્તાઓએ ટિપ્પણીઓમાં એક ઇમેઇલ મૂકવાનો છે જેથી કરીને એટલીસ મફત વિઝા ક્રેડિટ સાથે એકાઉન્ટ બનાવી શકે.
પેરિસ ઓલમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. નિખત ઝરીન, પીવી સિંધુ, રોહન બોપન્ના જેવા ખેલાડીઓ મેડલની રેસમાંથી બહાર થઈ ગયા છે. પેરિસ ઓલિમ્પિક પૂરો થવાને હજુ સાત દિવસ બાકી છે. અત્યાર સુધી મનુ ભાકરે અને સ્વપ્નિલ કુસાલેએ રાયફલ શૂટિંગમાં દેશને ત્રણ બ્રોન્ઝ મેડલ અપાવ્યા છે. ભારતીય હોકી ટીમ પાસેથી આપણને હજુ આશા છે. નીરજ ચોપરાએ ટોક્યો ઓલમ્પિકમાં ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે પેરિસ ઓલમ્પિકમાં છઠ્ઠી ઓગસ્ટે નીરજ ચોપરા મેદાનમાં ઉતરશે.