
એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તો બીજી તરફ આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ફરી એકવાર સંઘર્ષ શરૂ થયો છે, જે અટકવાનું નામ નથી લઈ રહ્યો. આર્મેનિયાએ અઝરબૈજાન પર હુમલાનો આરોપ લગાવ્યો છે. તે જ સમયે, અઝરબૈજાને તેને આર્મેનિયાની ‘ઉશ્કેરણી’ માટે બદલો લેવાનું કૃત્ય ગણાવ્યું છે. આર્મેનિયાના વડાપ્રધાન નિકોલ પશિન્યાને આ આરોપોને ફગાવી દીધા છે. બંને દેશોના તાજેતરના સંઘર્ષમાં સેંકડો સૈનિકો માર્યા ગયા છે.
અઝરબૈજાને આર્મેનિયામાં નાગરિક વસાહતો પર પણ હુમલો કર્યો હતો. અઝરબૈજાન દ્વારા આ સૈન્ય આક્રમણને રોકવા માટે, આર્મેનિયાના વિદેશ મંત્રાલયે નાગોર્નો-કારાબાખમાં તૈનાત રશિયન પીસકીપીંગ ફોર્સના હસ્તક્ષેપની માંગ કરી છે. આપણે આ બંને દેશ વચ્ચે વિવાદની ભીતરમાં જઇએ.
નાગોર્નો-કારાબાખ વિસ્તારને લઇને આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. છેલ્લા ચાર દાયકાથી આ વિસ્તારના કબજાને લઇને બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. સોવિયત યુનિયનના પતન બાદ નાગોર્નો-કારાબાખ વિસ્તાર અઝરબૈજાન પાસે ગયો. અઝરબૈજાન એક મુસ્લિમ દેશ છે જ્યારે આર્મેનિયા ખ્રિસ્તી બહુમતી રાષ્ટ્ર છે. નાગોર્નો-કારાબાખની મોટા ભાગની વસતી ખ્રિસ્તી છે. આમ છતાં પણ જ્યારે સોવિયત યુનિયનના પતન થયું ત્યારે નાગોર્નો-કારાબાખ વિસ્તાર અઝરબૈજાનને આપવામાં આવ્યો. અહીં રહેતા લોકોએ પણ આ વિસ્તાર આર્મેનિયાને સોંપવા માટે મત આપ્યો હતો.
આ વિવાદ સૌપ્રથમ 1980માં ફાટી નીકળ્યો હતો. નાગોર્નો-કારાબાખની સંસદે સત્તાવાર રીતે આર્મેનિયાનો ભાગ બનવા માટે મત આપ્યો ત્યારે અઝરબૈજાને અહીં અલગતાવાદી ચળવળને હિંસક રીતે દબાવવાનો પ્રયાસ કર્યો હતો. સોવિયત સંઘના પતન બાદ 1994માં બંને દેશ વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું અને લાખો લોકોએ સ્થળાંતર કરવું પડ્યું, લાખો લોકોના મોત થયા. બાદમાં બંને દેશ વચ્ચે યુદ્ધ વિરામ તો થયો, પણ બંનેએ લડાઇ ચાલુ રાખી હતી. યુદ્ધ વિરામ પહેલા નાગોર્નો-કારાબાખ આર્મેનિયન સૈન્ય દ્વારા કબજે કરવામાં આવ્યું હતું.
યુદ્ધ વિરામ બાદ આ વિસ્તાર અઝરબૈજાનનો રહ્યો, પરંતુ અહીં અલગતાવાદીઓએ શાસન કરવાનું શરૂ કર્યું. 2020માં બંને દેશ વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં 50 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા. હાલમાં આ વિસ્તારમાં શાંતિ માટે વાટાઘાટો ચાલી રહી છે, પણ હજુ સુધી મંત્રણા કોઇ પરિણામ પર પહોંચી નથી અને બંને દેશો અવારનવાર એકબીજા સામે શિંગડા ભેરવ્યા કરે છે.
બંને દેશો વચ્ચેનું યુદ્ધ ખતરનાક છે કારણ કે તેનાથી મોટું યુદ્ધ થવાનો ભય છે. અઝરબૈજાનની મોટી વસ્તી તુર્કી મૂળની છે, તેથી તુર્કીયેએ તેને સમર્થન આપ્યું છે. તુર્કીના આર્મેનિયા સાથે કોઇ સત્તાવાર સંબંધ નથી. તુર્કિયે નાટોનો સભ્ય દેશ છે. જ્યારે આર્મેનિયાને રશિયાનું સમર્થન છે. રશિયાનું આર્મેનિયામાં લશ્કરી મથક પણ છે. તુર્કિયે સામૂહિક સુરક્ષા સંધિ સંગઠન (CSTO)નો સભ્ય પણ છે. નાટોની જેમ, CSTO પણ એક લશ્કરી જૂથ છે.
આર્મેનિયા ઉપરાંત, તેમાં રશિયા, બેલારુસ, તાજિકિસ્તાન, કિર્ગિસ્તાન અને કઝાકિસ્તાનનો સમાવેશ થાય છે. આર્મેનિયાએ રશિયા અને CSTO પાસેથી મદદ માંગી છે. આર્મેનિયાને આશા છે કે રશિયા અને CSTO તેને અઝરબૈજાનના હુમલાનો જવાબ આપવામાં મદદ કરશે. મળતી માહિતી મુજબ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં SCO સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીયેવને મળી શકે છે. દેશની નાજુક પરિસ્થિતિને કારણે આર્મેનિયાના વડાપ્રધાન પશિયાન આ સમિટમાં ભાગ લેશે નહીં.
આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચેનું યુદ્ધ બે દેશના આપસના યુદ્ધ નહીં રહેતા અમેરિકા (નાટો) અને રશિયા વિરુદ્ધનું યુદ્ધ બની જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જે હાલમાં કોઇના હિતમાં નથી. આ સ્થિતિમાં હાલમાં દુનિયાના શક્તિશાળી દેશોએ અઝરબૈજાન અને આર્મેનિયાને આ સંઘર્ષ રોકવા અપીલ કરી છે.