ઇન્ટરનેશનલ

ટીવી અભિનેત્રી મધુરા નાયકના ઘરમાં માતમ છવાયું

પરિવારજનોની ઇઝરાયેલમાં કરાઇ હત્યા


તેલ અવીવઃ પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ પર કરેલા હુમલા બાદ સાત ઑક્ટોબરથી પેલેસ્ટાઇન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયેલ પરના હુમલાથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. આ યુદ્ધમાં અનેક નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા છે.


હમાસની ક્રૂરતા અને બર્બરતાની કથની જાણીને રૂંવાટા ઊભા થઇ જાય છે, પણ હમાસની ક્રૂરતા અટકવાનું નામ નથી લઇ રહી. સોશિયલ મીડિયા પર યુદ્ધના ક્ષેત્રમાંથી ઘણા હૃદયદ્રાવક વીડિયો સામે આવી રહ્યા છે. દરમિયાન એવા સમાચાર જાણવા મળ્યા છે કે આ લડાઈમાં ટીવી એક્ટ્રેસ મધુરા નાયકે પણ પોતાનો પરિવાર ગુમાવ્યો છે.


ટીવી ઈન્ડસ્ટ્રીની નાગિન ફેમ અભિનેત્રી મધુરા નાયકના સંબંધીઓની પણ હમાસના આતંકીઓએ હત્યા કરી નાખી છે. મધુરા નાયકે પોતે એક વીડિયો શેર કરીને આ જાણકારી આપી છે. વીડિયોમાં તેણે કહ્યું છે કે તેણે ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે. ‘મારી બહેન અને તેના પતિની પેલેસ્ટિનિયન આતંકવાદીઓ દ્વારા તેમના બાળકોની સામે નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા.


આતંકવાદી હુમલામાં મારી વહાલી બહેનની હત્યાથી ખૂબ જ દુઃખી છું. તેમની હૂંફ, દયા અને પ્રેમ હંમેશા યાદ રહેશે. અમારા વિચારો અને પ્રાર્થના તેમની અને તમામ પીડિતો સાથે છે.’ નોંધનીય છે કે મધુરા નાયક યહૂદી છે, જેનો જન્મ ભારતમાં થયો હતો.


દરમિયાનમાં આતંકવાદી હમાસના ઈઝરાયેલ પર હુમલામાં અત્યાર સુધીમાં હજારો લોકોના મૃત્યુ થયા છે. હમાસના હુમલા પછી, ઇઝરાયેલે જોરદાર જવાબ આપ્યો છે. ગાઝા પટ્ટી ભીષણ યુદ્ધમાં ફેરવાઈ ગઈ છે. ઈઝરાયેલે માત્ર ગાઝા પટ્ટી પર જ નહીં પરંતુ લેબનીઝ આતંકવાદી સંગઠન હિઝબુલ્લા પર પણ હેલિકોપ્ટર વડે તાજા હુમલા કર્યા છે. યુદ્ધમાં બંને પક્ષે ભારે ખુવારી થઇ છે.
https://www.instagram.com/reel/CyL3GigBj5M/?utm_source=ig_web_copy_link

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button