ઇન્ટરનેશનલ

રહસ્યમય બીમારીએ ચીનમાં સેંકડો બાળકોને કર્યા હોસ્પિટલ ભેગા, શિક્ષણકાર્ય ઠપ્પ

ચીનના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર ચીનની રાજધાની બેઇજિંગ અને તેના 800 માઇલના વિસ્તારમાં આવેલી તમામ હોસ્પિટલો કુમળી વયના માસૂમ બાળકોથી ઉભરાઇ રહી છે. ચીનના બાળકો શ્વાસ સંબંધી એક ગંભીર બિમારીનો ભોગ બની રહ્યા છે, અને આ રોગને વધુ ફેલાતો અટકાવવા માટે અનેક શાળાઓને તાળા મારી દેવામાં આવ્યા છે.

ચીનના નેશનલ હેલ્થ કમિશને 13 નવેમ્બરે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે માહિતી આપી છે કે પીડિત બાળકોમાં છાતીમાં બળતરા, ભારે તાવ, ઉધરસ અને શરદી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. મોટેભાગે આ બિમારીમાં ન્યુમોનિયાના જ લક્ષણો જોવા મળી રહ્યા છે.

પ્રો-મેડ નામના એક સર્વેલન્સ પ્લેટફોર્મ જે દુનિયાભરમાં માણસો અને પ્રાણીઓમાં ગંભીર બિમારીઓને ટ્રેક કરે છે, તેણે ચીનમાં ન્યુમોનિયા અંગે દુનિયાભરમાં એલર્ટ જાહેર કર્યું છે. તેણે જણાવ્યું છે કે આ બિમારી કોરોના સંકટના શરૂઆતના દિવસોની જ યાદ અપાવી રહ્યું છે. જો કે તેને મહામારી ગણાવવી એ હજુ વહેલું કહેવાશે. પરંતુ બાળકોમાં આ બિમારીની અસર થવી એ ગંભીર બાબત છે. આ રોગ ક્યારે ફેલાવા લાગ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. બાળકો ઉપરાંત યુવાનો તથા વૃદ્ધોમાં પણ તે ફેલાઇ શકે છે કે કેમ તેની પણ હાલ કોઇ માહિતી નથી. હાલમાં ચીનમાં ભારે ઠંડી પડી રહી છે. તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચવાની સંભાવના છે. આ બિમારીનું સંક્રમણ મોટેભાગે ઉત્તર ચીનમાં થઇ રહ્યું છે. બેઇજિંગમાં તાપમાન અત્યંત નીચું જઇ રહ્યું છે જેને પગલે આ બિમારી ફેલાવવાનું જોખમ વધુ છે.

WHO દ્વારા આ બિમારી અંગે લોકોને સાવધ રહેવાની સૂચના આપવામાં આવી છે. કોરોના સમયે જે ગાઇડલાઇન્સ હતી તેવા પ્રકારની સૂચનાઓનું પાલન કરવા લોકોને જણાવવામાં આવ્યું છે. WHO દ્વારા ચીનને સત્તાવાર રીતે વિનંતી કરવામાં આવી છે કે તે આ અંગે વધુ વિગતો જાહેર કરે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button