મ્યાનમારમાં પલાયન કરી રહેલા રોહિંગ્યાઓ પર ડ્રોન હુમલો, 200થી વધુના મોત
નવી દિલ્હી: ભારતના પાડોશી દેશ મ્યાનમાર(Myanmar)માં છેલ્લા ઘણા સમયથી રાજકીય અશાંતિ ફેલાયેલી છે, રોહિંગ્યા મુસ્લિમો (Rohingya Muslims) સતત દેશ છોડીને પલાયન કરી રહ્યા છે. એવામાં એક ભયાનક ઘટના બની છે. મ્યાનમાર છોડીને બાંગ્લાદેશ તરફ ભાગી રહેલા રોહિંગ્યાઓ પર પશ્ચિમી રાજ્ય રખાઈનમાં ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 200થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે. મૃતકોમાં મહિલાઓ, બાળકો અને સમગ્ર પરિવારનો સમાવેશ થાય છે.
સાક્ષીઓએના જણાવ્યા મુજબ આ હુમલા પાછળ અરાકાન આર્મી જવાબદાર છે. મ્યાનમારના રખાઈન વંશીય જૂથની લશ્કરી પાંખ ‘અરાકાન આર્મી’ એ સોમવારે નાફ નદી પાર કરીને ભાગી રહેલા રોહિંગ્યા પરના હુમલાના આરોપો નકારી કાઢ્યા છે.અરાકાન આર્મી અને મ્યાનમારની સેનાએ એકબીજા પર આરોપ લગાવ્યા.
અહેવાલ મુજબ, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે લોકો લાશોના ઢગલામાં તેમના પ્રિયજનોની શોધી રહ્યા ચેહ. અહેવાલ મુજબ હુમલો ગત સોમવારે થયો હતો. આ ડ્રોન હુમલો પાડોશી દેશ બાંગ્લાદેશની સરહદ પર થયો હતો.
રખાઈન રાજ્યમાં તેને સૌથી ઘાતક હુમલો ગણાવતા સેના અધિકારીઓએ જણાવ્યું કે એક ગર્ભવતી મહિલા અને તેની 2 વર્ષની પુત્રીનું પણ મોત થયું છે.
રીપોર્ટ મુજબ એક વિડિયોમાં કાદવવાળી જમીન પર વેરવિખેર મૃતદેહોના ઢગલા દેખાય છે, જેમાં સૂટકેસ અને બેકપેક લાશોની આસ્પાદ પડેલા જોવા મળે છે. બચી ગયેલા લોકોએ કહ્યું કે 200 થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે બીજાએ કહ્યું કે 70 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
એક અહેવાલ મુજબ, આ હુમલો મ્યાનમારના દરિયાકાંઠાના શહેર મંગડોની બહારના વિસ્તારમાં થયો હતો.
શું છે સંઘર્ષ:
રોહિંગ્યા મુસ્લિમો અને મ્યાનમારના બહુમતી બૌદ્ધ સમુદાય વચ્ચે 1948માં મ્યાનમારની આઝાદી બાદથી વિવાદ ચાલી રહ્યો છે. એવું કહેવાય છે કે મુસ્લિમો 16મી સદીથી રખાઈન રાજ્યમાં રહે છે. એ સમયે મ્યાનમારમાં બ્રિટિશ શાસન હતું. 1826 માં પ્રથમ એંગ્લો-બર્મીઝ યુદ્ધ સમાપ્ત થયું, ત્યારે રખાઈન પર બ્રિટિશ શાસન સ્થાપિત થયું હતું.
આ સમયગાળા દરમિયાન, અંગ્રેજ શાસકોએ બાંગ્લાદેશથી મજૂરોને રખાઈનમાં લાવવાનું શરૂ કર્યું. આ રીતે પાડોશી દેશ બાંગ્લાદેશથી મ્યાનમારના રખાઈનમાં આવનારા લોકોની સંખ્યા સતત વધતી રહી. રોહિંગ્યાઓની વધતી સંખ્યાને જોઈને મ્યાનમારની જનરલ ને વિનની સરકારે 1982માં બર્માના રાષ્ટ્રીય કાયદાને અમલમાં મૂક્યો. આ કાયદા હેઠળ રોહિંગ્યા મુસ્લિમોની નાગરિકતા નાબૂદ કરવામાં આવી હતી. ત્યારથી, આ રોહિંગ્યા મુસ્લિમો અસ્તિત્વ ટકાવી રાખવા ઘણા દેશોમાં શરણ લઇ રહ્યા છે.
બૌદ્ધ બહુમતી ધરાવતા મ્યાનમારમાં લાંબા સમયથી રોહિંગ્યાઓ પર અત્યાચાર ગુજારવામાં આવે છે. વર્ષ 2017 માં મ્યાનમારના સૈન્યની આગેવાની હેઠળના નરસંહારના ઉદ્દેશ્યથી કરવામાં આવેલા હુમલા પછી 7,30,000 થી વધુ લોકો દેશ છોડીને ભાગી ગયા હતા.
2021માં લોકશાહી રીતે ચૂંટાયેલી સરકાર પાસેથી સૈન્યએ સત્તા કબજે કરી ત્યારથી મ્યાનમારમાં અશાંતિ છે અને સામૂહિક વિરોધ વ્યાપક સશસ્ત્ર સંઘર્ષમાં પરિવર્તિત થયો છે.