મ્યાનમારમાં ભૂકંપને કારણે મૃત્યુઆંક 2,000 ને પાર, આટલા લોકો હજુ પણ લાપતા…

યાંગોન: ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં શુક્રવારે આવેલા ભૂકંપને કારણે સંખ્યાબંધ પરિવારો વિખેરાઈ ગયા છે, બચાવકાર્ય જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. મ્યાનમારની જુન્ટા સરકારે જાણકરી આપી હતી કે ભૂકંપને કારણે મૃત્યુઆંક વધીને 2,056 થયો (Myanmar Earthquake death toll) છે અને 3,900 થી વધુ લોકો ઘાયલ થયા છે, લગભગ 270 અન્ય લોકો હજુ પણ લાપતા છે. ઘણા લોકો ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળ નીચે દટાયેલા હોઈ શકે છે, જેમને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
ત્રણ દિવસ બાદ મહિલાની રેસ્ક્યુ:
વિનાશક ભૂકંપ બાદ મ્યાનમારમાં એક અઠવાડિયાનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. આજે સોમવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે ધરાશાયી થયેલી એક હોટલના કાટમાળમાંથી એક મહિલાને જીવિત બહાર કાઢવામાં આવી છે. સમય વીતી રહ્યો છે તેમ તેમ દટાયેલા લોકોના જીવિત હોવાની આશા ધુંધળી બની રહી છે. ભૂકંપના ત્રણ દિવસ પછી પણ મહિલાનું જીવિત મળી આવવું બચાવકર્મીઓ માટે આશાના કિરણ સમાન છે.
મ્યાનમારમાં ચીની દૂતાવાસે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, મંડલેમાં ગ્રેટ વોલ હોટેલની ઈમારતના કાટમાળમાંથી મહિલાને જીવિત બહાર કાઢવામાં આવી હતી, અને તેની હાલત સ્થિર છે ભારત સહિત અનેક દેશો અને યુએન જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનોએ ગૃહયુદ્ધને કારણે પહેલાથી જ અરાજકતામાં સપડાયેલા મ્યાનમારમાં ટનબંધ રાહત સામગ્રી મોકલી છે.
આ પણ વાંચો :ભૂકંપ આવ્યો ‘કાળ’ બની, પણ નર્સોએ હિંમત દાખવી નવજાતના બચાવ્યા જીવ, જુઓ વીડિયો?
થાઈલેન્ડમાં પણ મૃત્યુઆંક વધી શકે છે:
મ્યાનમાર ઉપરાંત ભૂકંપે થાઈલેન્ડમાં પણ તારાજી સર્જી છે. અહેવાલ અનુસાર, ઈમરજન્સી ટીમે બેંગકોકમાં નિર્માણાધીન ઇમારતના કાટમાળ નીચે દટાયેલા 76 લોકો માટે સોમવારે શોધખોળ ફરી શરૂ કરી હતી. ભૂકંપને ત્રણ દિવસ વીતી ચુક્યા છે, બચાવકર્મીઓને કાટમાળ નીચેથી માત્ર મૃતદેહો જ મળે તેવી શક્યતા વધુ છે. વધુ જેના કારણે થાઇલેન્ડમાં મૃત્યુઆંક વધી શકે છે. રવિવારે થાઈલેન્ડમાં મૃત્યુઆંક 18 હતો.