ડોનાલ્ડ ટ્રમ્પ-મસ્કના ‘ઘર્ષણ’માં ટેસ્લા ક્રેશ: મસ્કને ₹ 1.31 લાખ કરોડનો ફટકો

ન્યુયોર્ક : ડોનાલ્ડ ટ્રમ્પની ટેરીફની જાહેરાતની અસર વિશ્વના શેરબજારોમાં જોવા મળી રહી છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન અને દક્ષિણ કોરિયા સહિત 14 દેશો પર નવા ટેરિફની જાહેરાત કરી છે. જેની અસર અમેરિકાના શેરબજારમાં પણ જોવા મળી હતી. તો બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સતત વિવાદ અને નવી રાજકીય પાર્ટીની જાહેરાતના પગલે
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કને શેરબજારમાં ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. જેમાં છેલ્લા 24 કલાકમાં મસ્કની કંપની ટેસ્લાના શેર ક્રેશને કારણે 15.3 બિલિયન ડોલર એટલે કે રૂપિયા 1.31 લાખ કરોડથી વધુનું ધોવાણ થયું છે. જેના લીધે ઈલોન મસ્કની નેટવર્થ સતત ઘટી રહી છે.
2025 માં મસ્કનું નુકસાન વધીને 86.7 બિલિયન ડોલર
જોકે, ટ્રમ્પ સાથેના વિવાદ વચ્ચે ઈલોન મસ્કની સંપત્તિમાં ઘટાડો થઈ રહ્યો છે. જો આપણે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ પર અપડેટ કરેલા ડેટા પર નજર કરીએ તો માત્ર 24 કલાકમાં ઈલોન મસ્કની સંપત્તિમાં 15.3 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. આ પછી તેમની કુલ સંપત્તિ 346 બિલિયન ડોલર ઘટી ગઈ છે. આ તાજેતરના ઘટાડા સાથે, 2025 માં મસ્કનું નુકસાન વધીને 86.7 બિલિયન ડોલર થયું છે.
આ પણ વાંચો: ટ્રમ્પની ચેતવણી બાદ ઈલોન મસ્ક નરમ પડ્યા! કહ્યું, ‘મને ખેદ છે કે…’
ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચે શાબ્દિક યુદ્વ ચરમસીમાએ
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચે બિગ બ્યુટીફુલ બિલ મુદ્દે વિવાદ વકર્યો છે. જેનો ઈલોન મસ્કે જાહેરમાં ટીકા કરી હતી. તેની બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચે શાબ્દિક યુદ્વ ચરમસીમાએ પહોંચ્યું હતું.
આ અંગે ટ્રમ્પે કારણ આપતા કહ્યું કે આ બિલમાં ઈવી ખરીદી પરના કર લાભો સમાપ્ત થઈ ગયા છે. તેથી ઈલોન મસ્ક નારાજ છે. જેની બાદ ઈલોન મસ્કએ અમેરિકા પાર્ટી નામના નવા રાજકીય પક્ષની જાહેરાત કરી હતી.