બીજિંગને પાછળ છોડી એશિયામાં અબજોપતિઓની રાજધાની બન્યું મુંબઇ
શાંઘાઈ સ્થિત હુરુન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે દુનિયાના અબજોપતિઓ અંગે એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર ચીનની રાજધાની બીજિંગને પાછળ છોડીને હવે મુંબઈ અબજોપતિઓની રાજધાની તરીકે ઊભરી આવ્યું છે. પહેલા બીજિંગ આ સ્થાન પર હતું પરંતુ હવે તે પાછળ રહી ગયું છે. પ્રથમ સ્થાને ન્યૂયોર્કમાં 119 અને બીજા સ્થાને આવતા લંડનમાં 97 અબજોપતિ છે. આ પછી મુંબઇ 92 અબજપતિઓની સંખ્યા સાથે ત્રીજા સ્થાને છે. એટલું જ નહીં ભારતની રાજધાની નવી દિલ્હી પણ પ્રથમ વખત અબજોપતિઓ માટેના ટોપ 10 શહેરોમાં સામેલ થઈ ગઈ છે.
મુંબઈ પહેલીવાર એશિયાની અબજોપતિની રાજધાની બની છે. બેઇજિંગમાં અબજોપતિઓની સંખ્યા 91 અને મુંબઈમાં અબજોપતિઓની સંખ્યા 92 છે. હુરુન રિસર્ચના રિપોર્ટ અનુસાર, ભારતની સરખામણીમાં ચીનમાં 814 અબજપતિ છે, જ્યારે ભારતમાં માત્ર 271 અબજોપતિ છે. જોકે, હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ અનુસાર બીજિંગમાં છેલ્લા એક વર્ષમાં 18 અબજપતિઓ હવે કરોડપતિ બની ગયા છે.
મુંબઈમાં અબજોપતિઓની કુલ સંપત્તિ 445 અબજ ડોલર છે. જે ગયા વર્ષની સરખામણીમાં 47 ટકા વધુ છે. જ્યારે બીજિંગમાં અબજોપતિઓની કુલ સંપત્તિ 265 અબજ ડોલર છે. જે ગયા વર્ષની સરખામણીમાં 28 ટકા ઓછી છે.
હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2024 મુજબ, આજે વિશ્વમાં કુલ 3,279 અબજોપતિ છે, જેમાંથી 167 ગયા વર્ષે જ ઉમેરાયા છે. ચીનમાં સૌથી વધુ અબજોપતિ (814) છે. આ પછી અમેરિકામાં 800 છે. જોકે, ગયા વર્ષની સરખામણીમાં અમેરિકા અને ભારતમાં અનુક્રમે 109 અને 84 અબજપતિ ઉમેરાયા છે, જ્યારે ચીનના અબજોપતિની સંખ્યામાં 155નો ઘટાડો થયો છે. ઈલોન મસ્કે ત્રીજી વખત સૌથી ધનિક વ્યક્તિનું બિરુદ જાળવી રાખ્યું છે. મુકેશ અંબાણીએ ‘એશિયાના સૌથી ધનિક વ્યક્તિ’નું બિરુદ જાળવી રાખ્યું છે. ગૌતમ અદાણીએ તેમની સંપત્તિમાં 62 ટકાના વધારા સાથે યાદીમાં 15મું સ્થાન મેળવ્યું છે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતના ઉદય પાછળનું એક મુખ્ય પરિબળ તેનું મજબૂત આર્થિક પ્રદર્શન છે. અર્થતંત્રમાં આત્મવિશ્વાસ રેકોર્ડ સ્તરે વધી ગયો છે. રોકાણકારોના વિશ્વાસ દ્વારા સંચાલિત મજબૂત શેરબજારે સંપત્તિ સર્જન માટે અનુકૂળ વાતાવરણ સર્જયું છે. જ્યારે પરંપરાગત આર્થિક મહાસત્તા ચીનમાં તેની અબજોપતિઓની વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો છે.
મુંબઇની વાત કરીએ તો મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, રાધાકિશન દામાણી, કુમાર મંગલમ બિરલા, દિલીપ સંઘવી જેવા ઘણા અબજોપતિઓ મુંબઈમાં રહે છે.