“યુદ્ધ મામલે ભારત હંમેશા શાંતિના પક્ષે” વડા પ્રધાન મોદીની યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

કિવ: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનના પ્રવાસે છે. પ્રવાસ દરમિયાન કિવમાં નરેન્દ્ર મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. ઝેલેન્સકી સાથેની વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ‘યુદ્ધ બાબતે ભારતનું વલણ ક્યારેય તટસ્થ નહોતું પરંતુ તે હંમેશા શાંતિના પક્ષમાં રહ્યું છે’. યુક્રેનના રાષ્ટ્રપતિ સાથેની વાતચીતમાં પીએમ મોદીએ યુદ્ધને ઉકેલવા માટે વાતચીત અને કૂટનીતિ પર ભાર મૂક્યો હતો.
યુક્રેનના રાષ્ટ્રપતિની સાથે બેઠક બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું કલ્પના પણ કરી શકતો નથી કે આવા સંજોગોમાં મારે યુક્રેન આવવું પડ્યું. તે સમયે અહીં ફસાયેલા બાળકોને બચાવવાના તમારા પ્રયાસો માટે હું અને તમામ દેશવાસીઓ તમારો આભાર માનું છું. અમારી પહેલી પ્રાથમિકતા માનવતાવાદી અભિગમ રહી છે. હું તમને ખાતરી આપું છું કે જ્યારે પણ આપને જરૂર પડશે ત્યારે અમે તમારી સાથે છીએ.”

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “અમે બુદ્ધ અને ગાંધીની ભૂમિમાંથી આવીએ છીએ. પહેલા જ દિવસથી અમે શાંતિના પક્ષમાં છીએ. હું અહીં શાંતિનો સંદેશ લઈને આવ્યો છું. તેમણે પોતાની રશિયાની મુલાકાતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે જ્યારે હું રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યો ત્યારે મીડિયાને સ્પષ્ટપણે કહ્યું હતું કે, ” આ સમય યુદ્ધ માટે નથી. યુદ્ધથી કોઇ જ સમસ્યાનું સમાધાન નથી થઈ શકતું. બંને દેશ વાતચીત માટે આગળ આવે અને શાંતિની સ્થાપના માટે ભારત તમામ પ્રયાસો કરશે.”
આ પણ વાંચો : ભારત ફક્ત શાંતિના પક્ષમાં, યુક્રેનની મુલાકાત પૂર્વે પીએમ મોદીએ દુનિયાને આપ્યો મોટો મેસેજ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “આ દુઃખદાયક પરિસ્થિતિમાં પણ તમે જે ઉષ્મા સાથે મારું અને મારા પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું તેના માટે હું તમારો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.” ભારત-યુક્રેન સંબંધોમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રથમ વખત એવું બન્યું છે કે જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન યુક્રેનની મુલાકાતે ગયા છે જે એક ઐતિહાસિક ઘટના છે.