મોદીએ ટ્રમ્પને રશિયા પાસેથી ક્રુડ નહીં ખરીદવાનું વચન આપ્યું ? ટ્રમ્પે વધુ એક જૂઠાણું ચલાવ્યું ? | મુંબઈ સમાચાર
Top Newsઇન્ટરનેશનલ

મોદીએ ટ્રમ્પને રશિયા પાસેથી ક્રુડ નહીં ખરીદવાનું વચન આપ્યું ? ટ્રમ્પે વધુ એક જૂઠાણું ચલાવ્યું ?

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને લઈને ફરી એક મોટો દાવો કર્યો હતો. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને આશ્વાસન આપ્યું છે કે ભારત હવે રશિયા પાસેથી તેલ નહીં ખરીદે. ટ્રમ્પે આ પગલાને મોટું ગણાવ્યું હતું અને કહ્યું કે તે તેમના એ પ્રયાસનો ભાગ છે જેમાં તેઓ યુક્રેન યુદ્ધના કારણે રશિયાને આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક રીતે પાડવાની કોશિશ કરી રહ્યા છે.

ટ્રમ્પની ચિંતા અને મોદીનું કથિત આશ્વાસન

વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું કે તેમણે વડાપ્રધાન મોદી સમક્ષ ભારત દ્વારા રશિયન ક્રૂડ ઓઇલની સતત આયાત પર ચિંતા વ્યક્ત કરી હતી. અમેરિકાનું માનવું છે કે આ આયાત રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના યુદ્ધને ભંડોળ આપવામાં મદદ કરે છે. ટ્રમ્પે દાવો કર્યો, “હું એ વાતથી ખુશ નહોતો કે ભારત તેલ ખરીદી રહ્યું છે. અને તેમણે (વડાપ્રધાન મોદીએ) આજે મને આશ્વાસન આપ્યું કે તેઓ રશિયા પાસેથી તેલ નહીં ખરીદે. આ એક મોટું પગલું છે. હવે આપણે ચીનને પણ આવું કરવા માટે કહેવું પડશે.”

યુદ્ધ અને સહયોગી સંબંધો
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયા પાસેથી તેલની ખરીદીને સીધી રીતે યુક્રેન યુદ્ધ સાથે જોડી હતી. તેમણે કહ્યું કે આ સતત વેપાર રશિયાને “આ હાસ્યાસ્પદ યુદ્ધ” ચાલુ રાખવાનો મોકો આપે છે. જોકે, તેમણે ઉર્જા નીતિ પર મતભેદો હોવા છતાં વડાપ્રધાન મોદીને એક નજીકના સહયોગી ગણાવ્યા હતા. ચીન સાથેના તણાવ વચ્ચે ભારતને ભરોસાપાત્ર ભાગીદાર માનવા અંગેના સવાલ પર ટ્રમ્પે કહ્યું, “તે મારા મિત્ર છે. અમારા વચ્ચે ખૂબ સારા સંબંધો છે.” ટ્રમ્પે યુદ્ધ સમાપ્ત થયા પછી ભારતને ફરીથી રશિયા પાસેથી તેલ ખરીદવાની છૂટ આપવાની વાત પણ કહી.

ભારતનું વલણ: આર્થિક જરૂરિયાત

નોંધનીય છે કે ટ્રમ્પના આ દાવા અંગે ભારત તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. અગાઉ, ભારતે વારંવાર રશિયા પાસેથી તેલની આયાતનો બચાવ કર્યો છે અને તેને ઊર્જા સુરક્ષા અને આર્થિક સ્થિરતા માટે આવશ્યક ગણાવ્યું છે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે, “ભારતની ઊર્જા ખરીદી રાષ્ટ્રીય હિતથી સંચાલિત હોય છે. અમારા નિર્ણયો બજારની વાસ્તવિકતાઓથી પ્રેરિત હોય છે.”

પશ્ચિમી દેશોએ 2022 માં રશિયા પાસેથી ઊર્જા આયાત બંધ કરવાનું શરૂ કર્યા પછી, ભારત મોસ્કોનું સૌથી મોટું તેલ ખરીદનાર બની ગયું છે. વ્યાપાર ડેટા મુજબ, રશિયાનું ક્રૂડ ઓઇલ હવે ભારતના કુલ તેલ આયાતનો લગભગ એક-તૃતીયાંશ ભાગ છે. ભારત એમ પણ કહે છે કે તેની આયાત રશિયન તેલ પર G7 દ્વારા નક્કી કરાયેલ ભાવ મર્યાદાના અનુરૂપ છે.

આ પણ વાંચો…ચીન સાથેના રેર મિનરલ્સના તણાવો મામલે એમેરિકાએ માગ્યો ભારતનો સપોર્ટ, કહ્યું “આ ચીન Vs વર્લ્ડ છે”

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button