ઇયાન બૉથમ મગરમચ્છવાળી નદીમાં પડ્યા ત્યારે તેમને કોણે બચાવ્યા જાણો છો?
મેલબર્નઃ ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર ઇયાન બૉથમ અને ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મર્વ હ્યુઝ એક સમયે ક્રિકેટના મેદાન પર એકમેકના કટ્ટર હરીફ હતા, પરંતુ ગયા અઠવાડિયે નૉર્ધર્ન ટેરટરીમાં અજબ કિસ્સો બની ગયો. લાંબી અને ભરાવદાર મૂછ રાખવા બદલ જાણીતા હ્યુઝે બોથમને એક એવી નદીમાંથી બચાવી લીધા હતા જેમાં મગરમચ્છ હતા.
આ પણ વાંચો : ખાલિસ્તાનીઓના સમર્થનમાં આ શું બોલ્યા Justin Tudo, કહ્યું કેનેડાના તમામ હિંદુ…
બોથમે પોતાને બચાવવા બદલ હ્યુઝનો ખૂબ આભાર માન્યો હતો.
68 વર્ષીય બોથમ ડાર્વિન શહેરથી 200 કિલોમીટર દૂર કેટલાક મિત્રો સાથે માછલી પકડવા મોયલા નદીમાં ઊતર્યા હતા. બોથમ એક બોટમાંથી બીજી બોટમાં જઈ રહ્યા હતા ત્યારે તેમનું સ્લિપર દોરડામાં અટવાઈ ગયું હતું જેને લીધે તેઓ ઊંધે માથે નદીમાં પડ્યા હતા. જોકે મર્વ હ્યુઝ તેમની આસપાસમાં જ હતા અને તેઓ બીજા કેટલાક માછીમારોને લઈને તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બોથમને બચાવી લીધા હતા.
આ અકસ્માતમાં બોથમ થોડા ઘાયલ થયા હતા. તેમને નદીના પાણીમાંથી બહાર ખેંચવામાં આવી રહ્યા હતા ત્યારે બોટના એક હિસ્સા સાથે તેઓ ટકરાયા હતા.
બોથમે પછીથી પત્રકારોને કહ્યું, `હું મારા મિત્ર મર્વ હ્યુઝ અને અન્યોનો આભારી છું. હું જે ઝડપે નદીમાં પડ્યો એનાથી પણ વધુ ઝડપે મને બહાર કાઢી લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : અમેરિકામાં પૂર્વે રચાયું હતું Donald Trump ની હત્યાનું ષડયંત્ર, આ દેશ પર લાગ્યો આરોપ
બોથમ હાલમાં ઑસ્ટ્રેલિયામાં છે જ્યાં તેઓ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની આગામી ટેસ્ટ-સિરીઝ દરમ્યાન હ્યુઝ સાથે મળીને કૉમેન્ટરી બૉક્સમાં બેસશે.