ઇન્ટરનેશનલ

ઇઝરાયલ અને હમાસ વચ્ચે કતારે કરાવી છે કોઇ સમજૂતી?

ગાઝા: ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો 40મો દિવસ છે. ત્યારે આતંકવાદી સંગઠન હમાસ યુદ્ધવિરામ અને 50 બંધકોને મુક્ત કરવા માટે કતાર સાથે સોદા માટે સંમત થયું છે. આ અંગે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે કતાર અને અમેરિકાની પહેલ પર બુધવારે હમાસ અને ઇઝરાયલ વચ્ચે થયેલા કરાર હેઠળ ઇઝરાયલ કેટલીક પેલેસ્ટિનિયન મહિલાઓ અને બાળકોને ઇઝરાયલની જેલોમાંથી મુક્ત કરશે અને હમાસ ઇઝરાયલના 50 બંધકોને મુક્ત કરશે.

આ ઉપરાંત તે ગાઝામાં માનવતાવાદી સહાયની માત્રામાં પણ વધારો કરશે. પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ દ્વારા સાત ઓક્ટોબરના ઇઝરાયલ પરના હુમલા બાદ બંધકોને મુક્ત કરવામાં આ સૌથી મોટી સંખ્યા હશે. જો કે ઈઝરાયેલે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. અધિકારીના જણાવ્યા અનુસાર ઈઝરાયલ હજુ પણ આ સંબંધમાં વધુ વાતચીતના કરશે. જો કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ કરાર હેઠળ ઇઝરાયલ કેટલી પેલેસ્ટિનિયન મહિલાઓ અને બાળકોને જેલમાંથી મુક્ત કરશે.

હાલમાં ઈઝરાયલની સેના ઉત્તરી ગાઝામાં સતત હુમલા કરી રહ્યું છે. આખું ગાઝા શહેર ઇઝરાયલી સૈનિકોથી ઘેરાયેલું છે. પરંતુ ઘણા સ્થળોએ હમાસના આતંકવાદીઓ હજુ પણ ભૂગર્ભ સુરંગોમાં તેમજ હોસ્પિટલોમાં છુપાયેલા છે. હોસ્પિટલ સંકુલમાં અને તેની આસપાસ ભારે બોમ્બમારો અને ગ્રાઉન્ડ ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. જેમાં ડઝનબંધ આતંકવાદીઓ માર્યા ગયા છે.

ગાઝાની અલ-શિફા હોસ્પિટલને ધીમે-ધીમે ખાલી કરાવવામાં આવી રહી છે. જો કે હોસ્પિટલના ભોંયરામાં આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર છે. આવી સ્થિતિમાં ઈઝરાયલની સેનાએ હમાસના આતંકવાદીઓને આત્મસમર્પણ કરવા કહ્યું છે. પરંતુ હમાસના આતંકવાદીઓ હોસ્પિટલની નીચેથી ઈઝરાયલની સેના સામે જવાબી કાર્યવાહી કરી રહ્યા છે. હોસ્પિટલમાં ઘણા દર્દીઓ હોવાના કારણે ઇઝરાયલી સેના કોઇ હુમલા કરી રહી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button