શ્રીલંકામાં રાષ્ટ્રપતિ બનેલા માર્ક્સવાદી અને ચીન સમર્થક ‘AKD’ની કર્મકુંડળી જાણો
શ્રીલંકાના માર્ક્સવાદી નેતા અનુરા કુમારા દિસાનાયકેએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. દિસાનાયકે કોલંબો જિલ્લાના સાંસદ છે અને રાષ્ટ્રીય જનતા શક્તિ અને જનતા વિમુક્તિ પેરામુના (JVP) પક્ષોનું નેતૃત્વ કરે છે. તેમણે આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ સુધારાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ ભ્રષ્ટાચાર વિરોધી પગલાં અને ગરીબોના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. કોલંબોમાં રાષ્ટ્રપતિ સચિવાલયમાં તેમનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. ચીફ જસ્ટિસ જયંતા જયસૂર્યાએ દિસાનાયકેને શપથ લેવડાવ્યા હતા.
ચૂંટણી પંચ દ્વારા રવિવારે સાંજે 7 વાગ્યે અંતિમ પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. દિસાનાયકે 42.31 ટકા મતો સાથે પ્રમુખપદ જીત્યા હતા, જ્યારે પ્રેમદાસા બીજા ક્રમે આવ્યા હતા અને વર્તમાન પ્રમુખ રાનિલ વિક્રમસિંઘે ત્રીજા ક્રમે આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ દિસાનાયકેને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે સમગ્ર ક્ષેત્રના લાભ માટે અમારા બહુપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવા માટે તમારી સાથે મળીને કામ કરવા માટે આતુર છીએ.
આ પણ વાંચો: ચીન સમર્થક અનુરાકુમાર દિસાનાયકે બન્યા શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ, ભારત માટે ચિંતાનો વિષય
પીએમ મોદીનો આભાર માનતા દિસાનાયકેએ જવાબ લખ્યો હતો કે બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે તમારી પ્રતિબદ્ધતાને શેર કરું છું. સાથે મળીને આપણે સમગ્ર વિસ્તારના હિત માટે વધુ સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. દિસાનાયકેએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભારત સહિત વિશ્વની તમામ મહાસત્તાઓ સાથે સંબંધો મજબૂત કરવાની યોજના ધરાવે છે.
હવે આપણે મહત્વની વાત પર આવીએ કે દિસાનાયકે શ્રીલંકાના રાષ્ટ્રપતિ બન્યા એ ચીન માટે ખુશીની વાત કેમ છે. તો મહત્વની વાત એ છે કે અનુરા દિસાનાયકે માર્ક્સવાદી પૃષ્ઠભૂમિમાંથી આવે છે અને ચીન તરફ વધુ ઝુકાવ ધરાવે છે અને હવે તેઓ શ્રીલંકાના રાષ્ટ્રપતિ બન્યા છે તેથી સ્વાભાવિક રીતે જ તેમનું ચીન તરફ કુણું વલણ રહેશે, જેનાથી ચીનને ફાયદો જ થશે.