ભારતના ઝટકામાંથી બહાર નથી આવી શક્યું માલદીવ્સ, પ્રવાસીઓને આકર્ષવા હવે આ યુક્તિ અજમાવશે

માલેઃ ભારત સાથેના સંબંધોને તંગ બનાવીને માલદીવ્સે પોતાના પગ પર કુહાડી મારી દીધી છે. માલદીવમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં આશ્ચર્યજનક ઘટાડો થયો છે. જેની અસર માલદીવની અર્થવ્યવસ્થા પર પડી રહી છે. . હવે માલદીવ્સની એક મોટી પર્યટન સંસ્થાએ ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે ભારતના મોટા શહેરોમાં રોડ શો યોજવાનું નક્કી કર્યું છે. જેથી કરીને ભારતીય પ્રવાસીઓમાં માલદીવ્સ વિશેની ધારણા બદલી શકાય અને તેઓ ફરી એકવાર માલદીવની મુલાકાત લેવા માટે પ્રેરિત થઈ શકે.
ચારે બાજુથી સમુદ્રથી ઘેરાયેલા માલદીવ્સની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર પર્યટન છે. મોટી સંખ્યામાં ભારતીયો અહીં રજાઓ ગાળવા જાય છે. જ્યારે રાષ્ટ્રપતિ મુઈઝુએ તેમના ચૂંટણી પ્રચારમાં ‘ઈન્ડિયા આઉટ’નો નારો આપ્યો અને તેઓ સત્તામાં આવ્યા. ત્યાર બાદ પરિસ્થિતિ બદલાઇ ગઇ. બંને દેશો વચ્ચેના સંબંધો સતત બગડતા ગયા. માલદીવ્સે ભારતીય સૈનિકોને તેના સ્થાનેથી હાંકી કાઢવાનો આદેશ પણ જારી કર્યો હતો. આ સૈનિકો ત્યાં નાગરિક કામમાં રોકાયેલા હતા.
માલદીવ્સના ઘણા મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાતને લઈને વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ ઉપરાંત માલદીવ્સ તરફથી ભારત વિરુદ્ધ અપમાનજનક વાતો પણ કહેવામાં આવી હતી. આ પછી ભારતીય પ્રવાસીઓએ માલદીવ્સનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દીધું હતું. હવે માલદીવ્સ આ નુકસાનની ભરપાઈ કરવા માટે પગલાં લઈ રહ્યું છે અને ભારત સાથે સંબંધો સુધારવામાં વ્યસ્ત છે. 8 એપ્રિલના રોજ માલેમાં ભારતીય હાઈ કમિશનર સાથેની ચર્ચા બાદ, માલદીવ્સ એસોસિએશન ઓફ ટ્રાવેલ એજન્ટ્સ એન્ડ ટૂર ઓપરેટર્સ (MATATO) એ ભારતના કેટલાક શહેરોમાં રોડ શોનું આયોજન કરવા સહિત પ્રવાસ અને પ્રવાસન સહયોગ વધારવાની યોજના બનાવી છે. માલદીવ્સની પર્યટન એજન્સીએ નિવેદન જારી કરીને કહ્યું છે કે, ‘MATATOએ પ્રવાસન પહેલને પ્રોત્સાહન આપવા માટે રોડ શોની તૈયારીઓ શરૂ કરી છે.
માલદીવમાં ભારતીય હાઈ કમિશન સાથે સહયોગ સાધીને ભારતના મુખ્ય શહેરોમાં વ્યાપક રોડ શો શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સિવાય આગામી મહિનાઓમાં ઇન્ફ્લુએન્સર્સો અને મીડિયાને માલદીવ્સના પ્રવાસે લઈ જવામાં આવશે જેથી તેઓ ત્યાંના વિશે જાણી શકે. એસોસિએશને જણાવ્યું હતું કે માલદીવ્સના પ્રવાસન માટે ભારત એક મહત્ત્વનું બજાર છે, અને ઉમેર્યું હતું કે તેઓ માલદીવ્સને એક મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે પ્રમોટ કરવા માટે ભારતભરમાં અગ્રણી પ્રવાસન સંસ્થાઓ અને ઉદ્યોગના મુખ્ય ખેલાડીઓ સાથે કામ કરવા ઉત્સુક છે.
માલદીવના પર્યટન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા અનુસાર, રાજદ્વારી વિવાદને પગલે દેશની મુલાકાતે આવતા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 2023માં માલદીવની મુલાકાત લેનારા 17 લાખથી વધુ પ્રવાસીઓમાંથી મોટા ભાગના ભારતીયો (2,09,198) હતા. આ પછી રશિયા અને ચીન આવતા હતા. જો કે, રાજદ્વારી તણાવ પછી ભારતીય પ્રવાસીઓની સંખ્યા ઘટીને પાંચમા સ્થાને સરકી ગઈ છે. ગયા વર્ષે નવેમ્બરમાં માલદીવમાં ચીન તરફી રાષ્ટ્રપતિ મુઈઝુ સત્તામાં આવ્યા બાદ ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં તાજેતરના સમયમાં ખટાશ આવી ગઈ છે.