માલદીવની બે વિપક્ષી પાર્ટીઓ રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કર્યો હતો…
ભારત સાથેના તણાવ વચ્ચે માલદીવમાં પણ રાજકીય ઉથલપાથલ ચાલુ છે. આ બધાની વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ આજે સંસદની બેઠકમાં પોતાનું પ્રથમ રાષ્ટ્રપતિ ભાષણ આપવા જઈ રહ્યા છે. આ દરમિયાન માલદીવની બે મુખ્ય વિપક્ષી પાર્ટીઓએ સંસદમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝ્ઝુના ભાષણનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. વિપક્ષી પાર્ટીઓ-માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) અને ડેમોક્રેટ્સ પાર્ટીએ મુઈઝુના ભાષણનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. બંને પક્ષોએ મુઈઝુની ભારત વિરોધી વિચારધારાની ટીકા કરી હતી.
હાલમાં જ ચીનના પ્રવાસેથી પરત ફર્યા બાદ મુઈઝુએ માલેમાંથી ભારતીય સૈનિકોને બહાર કાઢવાનો નિર્ણય લીધો હતો, જેના પછી ભારત અને માલદીવના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. એવું માનવામાં આવે છે કે મુઈઝુ ચીન તરફી છે. હવે ભારત સાથેના તણાવને કારણે વિપક્ષ મુઈઝુનો વિરોધ કરી રહ્યો છે. MDP અને ડેમોક્રેટ્સે મુઈઝુ સરકારની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવતા નિવેદન જારી કર્યું હતું અને તેને અત્યંત જોખમી ગણાવ્યું હતું. વિપક્ષે કહ્યું હતું કે માલદીવની સ્થિરતા માટે હિંદ મહાસાગરમાં સુરક્ષા મહત્વપૂર્ણ છે.
જો કે માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીએ હજુ સુધી રાષ્ટ્રપતિના ભાષણનો બહિષ્કાર કરવાનો હેતુ જાહેર કર્યો નથી. ડેમોક્રેટ્સે કહ્યું હતું કે સંસદ દ્વારા નામંજૂર કરાયેલા ત્રણ પ્રધાનોની પુનઃનિયુક્તિને કારણે તેઓ સંસદમાં ઉપસ્થિત નહી રહે. બંધારણ મુજબ, રાષ્ટ્રપતિએ વર્ષના પ્રથમ કાર્યકાળના પ્રથમ સત્રમાં સંસદને સંબોધિત કરવાનું હોય છે અને તે દરમિયાન દેશની સ્થિતિની રૂપરેખા અને સુધારાઓ લાવવા માટે તેમની ભલામણોની રૂપરેખા આપવાની હોય છે. પરંતુ વિપક્ષે મુઈઝુ સરકારની ટીકા કરી હતી અને ભારતને દેશના ‘સૌથી જૂના સાથી’ તરીકે ગણાવ્યું હતું અને વર્તમાન વહીવટીતંત્ર પર ભારત વિરોધી વલણ અપનાવવાનો આરોપ પણ મૂક્યો હતો.
નોંધનીય છે કે વિવાદના ત્રણ સપ્તાહની અંદર માલદીવમાં જનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો હતો. માલદીવના પર્યટન મંત્રાલયના ત્રણ અઠવાડિયાના ડેટા અનુસાર ભારત હવે માલદીવની મુલાકાતના મામલામાં ત્રીજાથી પાંચમા સ્થાને પહોંચી ગયું છે.