માલદિવની સાન ઠેકાણે આવી!, ભારત સાથે મિત્રતા વધારવા RuPay કાર્ડ લોન્ચ કરશે

ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક દિવસોથી સારા નથી. જ્યારથી ચીન તરફી રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ સત્તા સંભાળી છે ત્યારથી માલદીવ અને ભારત વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. લક્ષદ્વીપ વિવાદ બાદ માલદીવ સાથેના સંબંધો સાવ તળિયે પહોંચી ગયા છે અને માલદીવની અર્થવ્યવસ્થા પણ ડામાડોળ થઇ ગઇ છે. ટૂંક સમયમાં માલદીવે ચીન પાસેથી લીધેલી મોટી મોટી લોનનો હપ્તો પણ ચૂકવવાનો છે અને ચીન તો પઠાણી ઉઘરાણી માટે જાણીતું છે. દેશની ડૂબતી નૈયા પાર લગાવવા માટે માલદીવને હવે પડોશી દેશ ભારતનો જ આશરો છે. દ્વિપક્ષીય સંબંધોમાં ભારે ઉતારચઢાવ વચ્ચે માલદીવ ભારતની RuPay સેવા શરૂ કરવા જઈ રહ્યું છે. માલદીવના આર્થિક વિકાસ અને વેપાર પ્રધાન મોહમ્મદ સઈદે ભારતના RuPay લોન્ચ વિશે વાત કરી છે.
આ પણ વાંચો લોકો દેખાડા માટે Maldives જાય છે, હું તો અયોધ્યા જઈશ… જાણો કોણે કહ્યું આવું?
એમ કહેવાય છે કે ભારતનું RuPay કાર્ડ લોન્ચ થવાથી માલદીવને ફાયદો થશે. આનાથી માલદીવના ચલણને વેગ મળવાની ધારણા છે. ભારતની RuPay સેવાની શરૂઆતથી માલદીવની રુફિયા (MVR) વધુ મજબૂત થવાની અપેક્ષા છે. આ ફાયદાને ધ્યાનમાં રાખીને માલદીવ ભારતીય RuPay કાર્ડ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ કાર્ડનો ઉપયોગ માલદીવમાં રૂપિયાના વ્યવહારો માટે કરવામાં આવશે.
માલદીવના આર્થિક વિકાસ અને વેપાર પ્રધાન મોહમ્મદ સઈદે ભારતની RuPay સેવા શરૂ કરવાની જાહેરાત કરતા કહ્યું હતું કે, ભારત અને ચીન અમારી સાથે દ્વિપક્ષીય વેપારમાં સ્થાનિક ચલણનો ઉપયોગ કરવા માટે સંમત થયા છે. ભારતની RuPay સેવાની શરૂઆતથી માલદીવિયન રુફિયા (MVR) ને વધુ પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ડૉલરને કોરાણે મૂકી સ્થાનિક ચલણને મજબૂત બનાવવું એ વર્તમાન સરકારની ટોચની પ્રાથમિકતા છે.