મલેશિયામાં દાયકાનું સૌથી ભયાનક પૂરઃ 80,000નું સ્થળાંતર
કુઆલાલંપુરઃ મલેશિયાના લોકોએ આજે એક દાયકાના સૌથી ભયાનક પૂરનો સામનો કર્યો હતો. મલેશિયામાં ભારે વરસાદના કારણે ભયાનક પૂર આવ્યું હતું, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે 80,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
નેશનલ ડિઝાસ્ટર કમાન્ડ સેન્ટર ઓનલાઈન પોર્ટલે આજે જણાવ્યું હતું કે સાત રાજ્યમાં 25,000 થી વધુ પરિવારોના 84,597 લોકોને 488 અસ્થાયી આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા હતા. થાઈલેન્ડની સરહદે આવેલ ઉત્તરપૂર્વીય રાજ્ય કેલન્ટન પૂરમાં સૌથી વધુ પ્રભાવિત થયું છે, જેમાં 56,029 લોકોને તેમના ઘરોમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે પાડોશી ટેરેન્ગાનુંમાં પણ 21,264 લોકોને બચાવવામાં આવ્યા હતા.
નાયબ વડા પ્રધાન અહમદ ઝાહિદ હમીદીએ જણાવ્યું હતું કે આ વર્ષે 2014 કરતાં વધુ ખરાબ પરિસ્થિતિ પેદા થશે તેવી ધારણા છે. તે સમયે 2,50,000થી વધુ લોકો વિસ્થાપિત થયા હતા અને 21 લોકો માર્યા ગયા હતા. સ્થાનિક મીડિયાએ તેમને ટાંકીને લખ્યું હતું કે હવામાનની આગાહી અનુસાર, આવતા મહિને ભારે વરસાદથી વધુ રાજ્યોને અસર કરશે.
આ પણ વાંચો :મોંઘવારીના માર વચ્ચે ગુજરાતથી કાંદાની નિકાસ શરૂઃ મલેશિયાએ આપ્યો ઓર્ડર
મીડિયાના અહેવાલ અનુસાર સરકારી એજન્સીઓ આપત્તિનો સામનો કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે લગભગ 83,000 કર્મચારી અને હજારો રેસ્ક્યૂ બોટ, ફોર વ્હીલર્સ અને લાઈફ જેકેટ્સ તેમજ 31 હેલિકોપ્ટર તૈયાર છે.
સરકારે દેશભરમાં 8,481 અસ્થાયી આશ્રયસ્થાનો બનાવ્યા છે જેમાં 20 લાખથી વધુ લોકોને આશ્રય આપી શકાય છે. મલેશિયામાં ચોમાસાની સિઝનમાં કેટલાક હિસ્સાઓમાં પૂર આવવું સામાન્ય વાત છે.