મડાગાસ્કરમાં પસાર થયું બળાત્કારીઓને નપુંસક બનાવી દેવાનું બિલ
દુનિયાભરમાં મહિલાઓ પર અને બાળકો પર બળાત્કાર થતા રહે છે. દરેક દેશે આ સમસ્યાના સમાધાન માટે કાયદાઓ બનાવ્યા છે, પણ તેમ છતાંય આવા અત્યાચારોની સંખ્યા ઘટતી નથી. એવા સમયે એક નાનકડા દેશે એવો સંગીન કાયદો બનાવ્યો છે કે જેને કારણે આવા અપરાધોની સંખ્યા ઘમી ઘટી જશે. ટાપુ દેશ મડાગાસ્કરમાં બાળકો પર બળાત્કાર કરનારાઓને કાસ્ટ્રેશન (નપુંસક બનાવી દેવા)ની સજા આપવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. માનવાધિકાર સંગઠનોએ આ બિલનો વિરોધ કર્યો છે. ગયા અઠવાડિયે આ બિલને ઉપલા ગૃહ દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠન એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે આ કાયદાને ‘ક્રૂર, અમાનવીય અને અપમાનજનક’ ગણાવ્યો છે.
દેશના ઉપલા ગૃહ સેનેટે હાલમાં આ બિલ પાસ કર્યું હતું. આ બિલમાં બાળ બળાત્કારીઓને કેમિકલ અને સર્જરી દ્વારા નપુંસક બનાવવાની જોગવાઈ છે. સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલી આ બિલને પહેલા જ પાસ કરી ચૂકી છે. એક રિપોર્ટ અનુસાર મડાગાસ્કરમાં હાલની સંસદના 134 સાંસદો અને ધારાસભ્યો મહિલાઓ વિરુદ્ધ અપરાધના કેસનો સામનો કરી રહ્યા છે. આ ગુનાઓમાં છેડતી, સગીર છોકરીઓને વેશ્યાવૃત્તિ માટે ખરીદવાથી લઇને બળાત્કાર સુધીના કેસો સામેલ છે.
એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે સરકારને આ પ્રસ્તાવિત કાયદો પસાર ન કરવા વિનંતી કરી છે કારણ કે તેનું માનવું છે કે આ કાયદો બાળ જાતીય શોષણની સમસ્યાને હલ કરશે નહીં જોકે, મડૈાગાસ્કરના કાયદા પ્રધાન લેન્ડી મ્બોલાટીઆના રાન્દ્રિયમનાન્તેસોઆએ પ્રસ્તાવિત કાયદાનો બચાવ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે હિંદ મહાસાગરમાં આવેલો આ દેશ “એક સાર્વભૌમ દેશ છે અને તેને તેના કાયદા બદલવાનો સંપૂર્ણ અધિકાર છે. દેશમાં બળાત્કારના કેસોમાં વધારો થઇ રહ્યો છે, જે રોકવા જરૂરી છે. ગયા વર્ષે, બાળ બળાત્કારના 600 કેસ નોંધાયા હતા.”
દેશમાં અત્યાર સુધી એવો કાયદો છે જેમાં બાળકો પર બળાત્કાર કરનારને પાંચ વર્ષની સજાની જોગવાઈ છે. નવા કાયદામાં દસ વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ પર બળાત્કાર કરનારાઓને સર્જીકલ કાસ્ટ્રેશન કરવાની જોગવાઈ છે.