ગાંધી જયંતિ પૂર્વે લંડનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ, પોલીસે તપાસ શરુ કરી

લંડન : ગાંધી જયંતિના ત્રણ દિવસ પૂર્વે જ લંડનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી છે. જેમાં લંડનના
ટેવિસ્ટોક સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની અજાણ્યા વ્યક્તિઓએ તોડફોડ કરી હતી. ભારતીય હાઈ કમિશને આ ઘટનાની સુરક્ષા એજન્સીઓને જાણ કરી હતી.આ પ્રતિમાના ચબૂતરા પર પણ કેટલીક હેરાન કરનારી વાતો લખવામાં આવી છે. આ ઘટનાની જાણકારી મળતા લંડન પોલીસે તપાસ શરુ કરી છે. આ ઘટના હાલ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની છે.
મહાત્મા ગાંધીની ધ્યાનસ્થ મુદ્રામાં પ્રતિમા
આ ઘટના અંગે ભારતીય હાઈ કમિશને નારાજગી વ્યક્ત કરી છે. લંડનના જાણીતા ચોકમાં મહાત્મા ગાંધીની ધ્યાનસ્થ મુદ્રામાં પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતાના સ્મારકનું સમારકામ ચાલુ છે. જ્યારે સુરક્ષા એજન્સીઓ આ કૃત્ય કરનારની તપાસ કરી રહી છે.
મહાત્મા ગાંધીની વિરાસત પર હુમલો
ભારતીય હાઈ કમિશને કહ્યું છે આ કોઈ સામાન્ય ઘટના નથી અને આની આકરી નિંદા કરવી જોઈએ. આ આંતર રાષ્ટ્રીય અહિંસા દિવસના ત્રણ દિવસ પૂર્વે અહિંસા ઉપાસક અને મહાત્મા ગાંધીની વિરાસત પર હુમલો છે. તેમજ સુરક્ષા એજન્સીઓ આની પર તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. તેમજ આ પ્રતિમાના સમારકામ માટે હાઈ કમિશનની ટીમ અધિકારીઓ સાથે કાર્યરત છે. આ મેટ્રોપોલિટન પોલીસ અને સ્થાનિક કેમડેન કાઉન્સિલના અધિકારીઓએ કહ્યું કે તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે
આ કાંસ્ય પ્રતિમાનું અનાવરણ વર્ષ 1968માં કરાયું હતું
ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયા લીગના સહયોગથી બનેલી આ કાંસ્ય પ્રતિમાનું અનાવરણ વર્ષ 1968 માં કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા નજીકની યુનિવર્સિટી કોલેજ લંડનમાં કાયદાના વિદ્યાર્થી તરીકે મહાત્મા ગાંધીના દિવસોની યાદ અપાવે છે. .
આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રએ ગાંધી જયંતીને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે જાહેર કર્યો છે. દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ લંડનમાં આ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે અને ગાંધીજીના પ્રિય ભજનો ગાવામાં આવે છે.
આ પણ વાંચો…પુણેમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડવાનો પ્રયાસ: એકની ધરપકડ