લિબિયામાં વિસ્થાપિતોથી ભરેલું જહાજ ડૂબ્યું, 6૦થી વધુના મોત

ત્રિપોલી: ઉત્તર આફ્રિકાના દેશ લિબિયાના દરિયાકાંઠે વિસ્થાપિતોથી ભરેલું એક જહાજ ડૂબી જતા મોટી દુર્ઘટના ઘટી છે. જહાજ ડૂબી જતા મહિલાઓ અને બાળકો સહિત 6૦થી વધુ લોકોના મોત થયા છે લીબિયામાં ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશન (IOM) એ આજે શનિવારે સવારે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી.
IOM એ બચી ગયેલા લોકોએ આપેલી માહિતીના આધારે જણાવ્યું હતું કે જહાજમાં કુલ 86 લોકો સવાર હતા. જહાજ લીબિયાના જ્વારા શહેરથી વિસ્થાપિતોને ભરીને યુરોપ તરફ રવાના થયું હતું.
શિપિંગ મંત્રાલયના એક અધિકારીએ મીડિયા જણાવ્યું હતું કે જહાજમાં મોટાભાગના લોકો ઇજિપ્ત, સીરિયા અને પાકિસ્તાનના હતા. ગ્રીક મીડિયાએ જણાવ્યું હતું કે જહાજ લિબિયાના ટોબ્રુક શહેરથી ઇટાલી જઇ રહ્યું હતું, જે ગ્રીસના ક્રેટ ટાપુની દક્ષિણમાં સ્થિત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જે લોકો દરિયાઈ માર્ગે યુરોપ પહોંચવા માગે છે તેમના માટે લિબિયા એક મુખ્ય લોન્ચિંગ પોઈન્ટ છે. આફ્રિકા અને મધ્ય પૂર્વમાં સ્થિત દેશોના નાગરીકો યુદ્ધ અને અશાંતિથી બચવા લિબિયા થઈને યુરોપ જવા પ્રયત્નો કરતા હોય છે. દરિયાકાંઠાના વિસ્તારોને નિયંત્રિત કરતા લશ્કરી જૂથો દ્વારા આ માર્ગો પર માનવ તસ્કરીનું નેટવર્ક પણ ચલાવવામાં આવે છે. તેઓ સ્થળાંતર કરવા ઈચ્છુક લોકોને ખતરનાક ભૂમધ્ય સમુદ્રના માર્ગે યુરોપ લઇ જવા પ્રયત્નો કરે છે. તાજેતરના મહિનાઓમાં, લિબિયામાં સુરક્ષા દળોએ ઘણા આરોપીઓને અટકાયતમાં લીધા હતા.
પ્રવાસીઓના ડૂબી જવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ઘણા કિસ્સાઓ બન્યા છે. જૂનમાં આવી જ એક ઘટના બની હતી, જ્યારે 79 વિસ્થાપિતો ડૂબી ગયા હતા અને સંખ્યાબંધ લોકો ગુમ થયા હતા. ફેબ્રુઆરીમાં તોફાન દરમિયાન એક જહાજ ઈટાલીના કેલેબ્રિયન કિનારે ખડકો સાથે અથડાયું હતું, જેમાં 96 લોકો માર્યા ગયા હતા. આવા બીજા ઘણા કિસ્સાઓ છે.