એક સમયનું સુરક્ષિત આશ્રયસ્થાન ગણાતુ પાકિસ્તાન બન્યું ભારતના દુશ્મનોનું કબ્રસ્તાન
લશ્કર કમાન્ડર અકરમ ગાઝીની થઇ ગોળી મારીને હત્યા
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ભારતના દુશ્મન અને અકરમ ગાઝી તરીકે ઓળખાતા લશ્કર-એ-તૈયબાના પૂર્વ કમાન્ડર અકરમ ખાનને ઠાર કરવામાં આવ્યો છે. અકરમે 2018 થી 2020 દરમિયાન લશ્કરમાં ભરતીનું અને ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું જ કામ કર્યું હતું. બાજૌરમાં કથિત રીતે અજાણ્યા હુમલાખોરો દ્વારા તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અકરમ લશ્કરના ટોચના કમાન્ડરોમાંનો એક હતો અને તે લાંબા સમયથી આતંકવાદી ગતિવિધિઓમાં પણ સામેલ હતો.
પાકિસ્તાનમાં આતંકીઓની હત્યાનો આ પહેલો કિસ્સો નથી, જ્યારે પાકિસ્તાનમાં આતંકીઓને નિશાન બનાવવામાં આવ્યા હોય. અગાઉ પણ મુફ્તી કૈસર ફારૂક, ખાલિસ્તાની આતંકવાદી પરમજીત સિંહ પંજવાડ, એજાઝ અહેમદ અહંગર, બશીર અહેમદ પીર, શાહિદ લતીફ અને સૈયદ ખાલિદ રઝા જેવા આતંકવાદીઓ અજાણ્યા હુમલાખોરો દ્વારા માર્યા ગયા હતા. અજાણ્યા લોકો દ્વારા કરવામાં આવેલા આ હુમલાઓએ આતંકવાદીઓની સાથે સાથે પાકિસ્તાની પ્રશાસનની પણ ઉંઘ હરામ કરી દીધી છે.
આ વર્ષે વર્ષે ઓક્ટોબરમાં પઠાણકોટ હુમલાના માસ્ટરમાઇન્ડ શાહિદ લતીફને પાકિસ્તાનના સિયાલકોટમાં ઠાર કરવામાં આવ્યો હતો. લતીફ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંનો એક હતો અને 2016માં પઠાણકોટ એરફોર્સ સ્ટેશનમાં ઘૂસેલા ચાર આતંકવાદીઓનો હેન્ડલર હતો. તેના મૃત્યુ પહેલા, એજાઝ અહેમદ અહંગર અને સૈયદ ખાલિદ રઝાની પણ અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ ઉપરાંત ભારતના વોન્ટેડ આતંકીઓની યાદીમાં રહેલા સૈયદ નૂર શાલોબરની પણ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં અજાણ્યા બંદૂકધારી દ્વારા હત્યા કરવામાં આવી હતી. તેણે કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવા માટે સેના અને ગુપ્તચર એજન્સીઓ સાથે મળીને કામ કર્યું હતું અને નવા આતંકવાદીઓની સેનાને તાલીમ આપી હતી.
સપ્ટેમ્બરની શરૂઆતમાં, પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના રાવલકોટમાં અલ-કુદુસ મસ્જિદની અંદર અજાણ્યા બંદૂકધારીઓએ લશ્કર-એ-તૈયબાના ટોચના આતંકવાદી કમાન્ડરની ગોળી મારીને હત્યા કરી હતી. આતંકીની ઓળખ રિયાઝ અહેમદ ઉર્ફે અબુ કાસિમ તરીકે થઈ હતી. રિયાઝ અહેમદ કોટલીથી નમાઝ અદા કરવા આવ્યો હતો ત્યારે તેને નજીકથી માથામાં ગોળી મારવામાં આવી હતી. રિયાઝ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો અને રેડિયો પાકિસ્તાન પર ભારત સરકાર વિરુદ્ધ હળાહળ ઝેર ઓકતો હતો અને અલગતાવાદી કાર્યક્રમોનું પ્રસારણ કરતો હતો. તે ડ્રગની દાણચોરીમાં પણ સામેલ હતો.