પાકિસ્તાનમાં શિયા અને સુન્ની વચ્ચે હિંસક અથડામણઃ ૨૫નાં મોત
પેશાવરઃ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં જમીન વિવાદને લઇને શિયા અને સુન્ની મુસ્લિમો વચ્ચે કેટલાક દિવસોથી ચાલી રહેલી અથડામણમાં ઓછામાં ઓછા ૨૫ લોકોના મોત થયા હતા. અફઘાનિસ્તાનની સરહદે આવેલા ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કુર્રમ જિલ્લામાં સપ્તાહના અંતમાં શરૂ થયેલી અથડામણ ગઈકાલે પણ ચાલુ રહી હતી.
શનિવારથી અત્યાર સુધીમાં બંને પક્ષોના ડઝનેક લોકો ઘાયલ થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. કુર્રમ તાજેતરના વર્ષોમાં સાંપ્રદાયિક હિંસાનું કેન્દ્ર રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે તેઓ ઉત્તર-પશ્ચિમમાં જમીન વિવાદને સાંપ્રદાયિક હિંસાનું રૂપ લેતા અટકાવવાના પ્રાયસો કરી રહ્યા છે. જ્યાં બંને પક્ષોના ઉગ્રવાદી જૂથોની મજબૂત ઉપસ્થિતિ છે.
પ્રાંતીય સરકારના પ્રવક્તા બેરિસ્ટર સૈફ અલીના જણાવ્યા મુજબ અધિકારીઓ આદિવાસી વડીલોની મદદથી તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને કુર્રમમાં શાંતિ વાટાઘાટો બાદ બંને પક્ષો યુદ્ધવિરામ માટે સંમત થયા છે. સુન્ની પ્રભુત્વ ધરાવતા પાકિસ્તાનની ૨૪૦ મિલિયન વસ્તીમાં લગભગ ૧૫ ટકા શિયા મુસ્લિમ છે. બંને સમુદાયો વચ્ચે સાંપ્રદાયિક દુશ્મનાવટનો ઇતિહાસ રહ્યો છે.
જો કે દેશમાં બંને મોટા ભાગે શાંતિપૂર્ણ રીતે સાથે રહે છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને કુર્રમમાં જ્યાં જિલ્લાના કેટલાક ભાગોમાં શિયાઓનું વર્ચસ્વ છે ત્યાં દાયકાઓથી તેમની વચ્ચે તણાવ ચાલુ છે. જુલાઇમાં આ વિવાદને લઇને બંને પક્ષોના ડઝનેક લોકો માર્યા ગયા હતા.