કોંગોના ઉત્તર કિવુ પ્રાંતમાં ખાણકામ વિસ્તારમાં ભૂસ્ખલન, 200 લોકોના મૃત્યુ…

કિવુ : મધ્ય આફ્રિકાના દેશ કોંગોના ઉત્તર કિવુ પ્રાંતમાં ભયાનક દુર્ઘટના ઘટી છે. જેમાં રૂબાયા કોલ્ટન ખાણકામ વિસ્તારમાં ભૂસ્ખલન થતાં અનેક ખાણો ધરાશાયી થઈ ગઈ છે. જેમાં 200 લોકો માર્યા ગયા હોવાની પ્રાથમિક માહિતી સાંપડી છે. તેમજ આ મૃત્યુઆંક વધુ વધવાની આશંકા છે.
ભારે વરસાદને કારણે આ ઘટના બની હતી
આ અંગે મળતી માહિતી મુજબ M23 બળવાખોર જૂથ દ્વારા નિયુક્ત ગવર્નરના પ્રવક્તા લુમુમ્બા કાંબેરે મુયિસાએ જણાવ્યું હતું કે બુધવારે ભારે વરસાદને કારણે આ ઘટના બની હતી. હાલમાં, 200 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. જેમાંથી કેટલાક હજુ પણ કાદવમાં ફસાયેલા છે અને તેમને બચાવવામાં આવ્યા નથી મુયિસાએ જણાવ્યું. પીડિતોમાં ખાણકામ કરતાં મજૂરો, બાળકો અને બજારમાં કામ કરતી મહિલાઓનો સમાવેશ થાય છે. જેમાંથી કેટલાકને લોકોને મ સમયસર બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ તેઓ ગંભીર રીતે ઘાયલ છે.
આરોગ્ય કેન્દ્રોમાં 20 ઘાયલોની સારવાર
તેમજ સ્થાનિક આરોગ્ય કેન્દ્રોમાં 20 ઘાયલોની સારવાર ચાલી રહી છે. રૂબાયા ખાણો M23 બળવાખોરોના નિયંત્રણ હેઠળ છે. જેમણે એપ્રિલ 2024 થી આ વિસ્તાર પર કબજો કર્યો છે. આ પ્રદેશ વિશ્વના લગભગ 15 ટકા કોલ્ટનનું ઉત્પાદન કરે છે. જે સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય અદ્યતન ટેકનોલોજીમાં વપરાતા ટેન્ટેલમ માટે મહત્વપૂર્ણ છે. ખાણો નાના પાયે છે જેમાં કામદારો હાથથી ખાણકામ કરે છે અને દરરોજ થોડા નાણાં કમાય છે.
ખાણકામ કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યું
આ દુર્ઘટના બાદ ખાણકામ કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યું છે. ખાણની નજીકના ઝૂંપડપટ્ટીમાં રહેતા રહેવાસીઓને સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો છે. પૂર્વીય કોંગો દાયકાઓથી હિંસાનો શિકાર બન્યો છે. તેમજ સરકારી દળો, રવાન્ડા સમર્થિત M23 અને અન્ય સશસ્ત્ર જૂથો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. આ પ્રદેશ ખનિજ સમૃદ્ધ છે પરંતુ સુરક્ષાનો અભાવ છે અને વરસાદની ઋતુ દરમિયાન ભૂસ્ખલન જેવી આફતો સામાન્ય છે.



