Paris Olympic 2024: ભારતનાં એ પ્રથમ મહિલા ખેલાડી જે સાડી પહેરી ટેનીસ રમતાં હતાં
ફ્રાંસ: બે દિવસથી પેરિસમાં ઑલિમ્પિકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પુરુષોની જેમ મહિલા ખેલાડીઓ પાસેથી પણ દેશ ઘણી અપેક્ષા રાખીને બેઠો છે અને મહિલા ખેલાડીઓએ અગાઉ દેશની અપેક્ષા પૂરી કરી છે અને તિરંગો લહેરાવ્યો છે, ત્યારે આજે પણ એ મહિલાની વાત કરવાના છે, જેમણે પહેલીવાર ભારતનું પ્રતિનિધિત્વ ઑલિમ્પિકમાં કર્યું. તેમનું નામ લેડી મહેરબાઈ ટાટા. હા, તેઓ ટાટા ગ્રુપના જ સભ્ય. જમશેદજી ટાટાના સૌથી મોટા પુત્ર દોરાબજી ટાટાના પત્ની લેડી મહેરબાઈ સુશિક્ષિત તો હતા જ, પણ તેમણે સમાજસેવા અને સ્ત્રીશિક્ષણ અને સ્ત્રીઓની ઉન્નતી માટે ઘણું કામ કર્યું. બાળ લગ્નપ્રથા અને પડદા પ્રથા નાબૂદ કરવા માટે તેમનું યોગદાન નોંધપાત્ર છે.
આપણે અહીં વાત કરવાના છીએ, તેમના સ્પોર્ટ્સ પ્રત્યેના પ્રેમની. મહેરબાઈ અને સર દોરાબજી ઘણીવાર વિમ્બલડનના સેન્ટર કોર્ટમાં બેસી ટેનીસ જોતા. મહેરબાઈ ટેનીસ રમવાના ભારે શોખિન. તેમણે અલગ અલગ ટુર્નામેન્ટમાં 60 ઈનામ મેળવ્યા છે. તેમનો ટેનીસનો શોખ એટલો કે તેમણે 1924માં ઑલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.
હવે રસપ્રદ વાત એ છે કે તેઓ સ્કર્ટ કે ટ્રાઉઝર નહીં પણ ટિપિકલ પારસી સાડી પહેરીને ટેનીસ રમતા અને ટુનાર્મેન્ટ્સ જીતતા પણ. મહેરબાઈની એક બીજી રસપ્રદ વાત પણ તમને કહીએ. બીજા વિશ્વ યુદ્ધ સમયે જ્યારે ટાટા કંપની તે સમયની ટીસ્કો આર્તિક સંકડામણ અનુભવતી હતી અને એક સમયે કામદારોને પગાર દેવાનો પણ અઘરો બની ગયો હતો ત્યારે મહેરબાઈએ પોતાનો જ્યુબિલી ડાયમન્ડ મોર્ગેજ કરાવ્યો હતો. આ ડાયમન્ડ 245.35 કેરેટનો હતો અને ખૂબ પ્રસિદ્ધ એવા કોહીનૂર ડાયમન્ડ કરતા બમણી સાઈઝનો હતો. મહેરબાઈએ ડાયમન્ડ ઈમ્પેરલ બેંકમાં મોર્ગેજ કરાવ્યો અને ધીમે ધીમે કંપની બહાર આવી ફરી ફૂલીફાલી અને આજે પણ દેશના ગૌરવસમી ઊભી છે. વર્ષ 1931ના જૂન મહિનામાં તેમનું નિધન થયું. થોડા સમય બાદ આ ડાયમન્ડને વેચી તેમાંથી મળેલા નાણા ટાટા ટ્રસ્ટ દ્વારા વિવિધ સામાજિક કામ માટે વાપરવામાં આવે છે.
આજકાલ ઘણીવાર ટેનીસ કે અન્ય રમતોમાં મહિલાઓ દ્વારા પહેરવામા આવતા ટૂંક સ્કર્ટ્સની ટીકા થાય છે. કોણે શું પહેરવું તે જેતે વ્યક્તિ અને રમતના નીયમોને આધીન હોય છે, પરંતુ મહેરબાઈને પોતાના પહેરવેશ અને સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ હતો કે તેમણે સાડીમાં જ ટેનીસ રમી બતાવ્યું. વ્યક્તિ સ્વાતંત્ર્યનો આ પણ એક મહત્વનો પહેલું છે કે તમે તમારી ઈચ્છા અને દેશ-સમાજને અનુરૂપ થઈને રહો.