જાણો.. કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જે કેનેડાના પીએમ તરીકે યથાવત રહેશે

નવી દિલ્હી : કેનેડામાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં માર્ક કાર્ની નવા વડા પ્રધાન તરીકે ચૂંટાયા છે. આ માહિતી કેનેડાની સરકારી ન્યૂઝ ચેનલ દ્વારા આપવામાં આવી છે. આ ચૂંટણીમાં લિબરલ પાર્ટીએ સતત ચોથી વખત જીત મેળવીને સરકારની રચના કરી છે. આ ઘટના કેનેડાના રાજકીય ઇતિહાસમાં એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. આ વખતે લિબરલ પાર્ટીનું નેતૃત્વ ભૂતપૂર્વ બેંકર માર્ક કાર્ની કરી રહ્યા હતા. જેમણે જંગી જીત મેળવી છે.
અમેરિકા વિરુદ્ધ કાર્નીએ અવાજ ઉઠાવ્યો
માર્ક કાર્નીએ ચૂંટણીમાં પિયર પોઇલીવ્રેની કન્ઝર્વેટિવ પાર્ટીને હરાવી હતી. તેમણે પ્રચાર દરમિયાન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું હતું. ટ્રમ્પે ઘણીવાર કહ્યું છે કે કેનેડાને અમેરિકામાં ભેળવી દેવું જોઈએ, જેની સામે માર્ક કાર્નેએ ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો હતો.
જાણો કોણ છે માર્ક કાર્ની ?
માર્ક કાર્નીનો જન્મ 16 માર્ચ, 1965ના રોજ કેનેડાના ફોર્ટ સ્મિથ નામના સ્થળે થયો હતો. તેમનું બાળપણ એડમોન્ટન નામના શહેરમાં વિતાવ્યું હતું. માર્ક કાર્નેએ અમેરિકાની પ્રખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટી અને ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. તેમને યુવાનીમાં હોકી પણ રમતો હતો.
ગોલ્ડમેન સૅક્સ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે કામ કર્યું
તેમણે પોતાની કારકિર્દીની શરૂઆતમાં ગોલ્ડમેન સૅક્સ નામની કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે જોડાયા હતા. ન્યૂ યોર્ક, લંડન, ટોક્યો અને ટોરોન્ટો જેવા મોટા શહેરોમાં કામ કર્યું હતું. તેમણે સિવિલ સર્વિસ પસંદ કરી અને વર્ષ 2008 માં કેનેડાના તત્કાલીન વડા પ્રધાન સ્ટીફન હાર્પરએ તેમને બેંક ઓફ કેનેડાના ગવર્નર બનાવ્યા હતા.
વડા પ્રધાન ડેવિડ કેમેરોને બેંક ઓફ ઇંગ્લેન્ડના વડા બનાવ્યા
જ્યારે 2008 માં વૈશ્વિક આર્થિક કટોકટી આવી. ત્યારે માર્ક કાર્ની એવા થોડા નેતાઓમાંના એક હતા જેમણે આ મુશ્કેલ સમયમાં કેનેડાને સુરક્ષિત માર્ગ પર રાખ્યું.તેની બાદ વર્ષ 2013માં યુનાઇટેડ કિંગડમ (યુકે) ના વડા પ્રધાન ડેવિડ કેમેરોને તેમને બેંક ઓફ ઇંગ્લેન્ડના વડા બનાવ્યા હતા. વર્ષ 1694માં બેંકની રચના થઈ હતી અને ત્યારથી તેનું સંચાલન હંમેશા બ્રિટિશ લોકો દ્વારા કરવામાં આવતું હોવાથી તેઓ આવું કરનાર પ્રથમ બિન-બ્રિટિશ વ્યક્તિ બન્યા.
કાર્નીએ વર્ષ 2019ના અંતમાં બેંક છોડવાનો નિર્ણય લીધો
જ્યારે બ્રિટને 2016 માં યુરોપિયન યુનિયન(EU)એટલે કે બ્રેક્ઝિટમાંથી બહાર નીકળવાનો મત આપ્યો હતો. ત્યારે તે સમયે બજારમાં ગભરાટ ફેલાઈ ગયો. તેની બાદ કાર્નીએ પરિસ્થિતિને સંભાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. જ્યારે કાર્નેએ વર્ષ 2019ના અંતમાં બેંક છોડવાનો નિર્ણય લીધો હતો. ત્યારે બ્રિટનના તત્કાલીન નાણામંત્રી સાજિદ જાવિદે તેમની પ્રશંસા કરતા કહ્યું કે કાર્નીએ દૃઢતા, આત્મવિશ્વાસ અને શાણપણથી નેતૃત્વ કર્યું હતું.
આપણ વાંચો: કેનેડાના ઓટાવામાં ભારતીય વિદ્યાર્થિનીનું રહસ્યમય મોત, આપના ધારાસભ્ય સાથે છે કનેકશન